સ્કૂલમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને મોહેં
જો દડોની સંસ્કૃતિના પાઠ ભણવામાં આવતા હતા ત્યારે તેમાં લોથલ વિશે વાંચ્યું
હતું. તે વખતે એવું થાતું હતું કે આટલાં બધાં વર્ષો પહેલાં લોકો કેમ રહેતા
હતા અને ત્યાંના કેવાં શિલ્પો મળી આવ્યાં છે એ બધું અત્યારે જાણીને શું
કામ છે ? એ ખરેખર બોરિંગ લાગતું હતું. ઇતિહાસ જેવા સૌથી રસપ્રદ વિષયને સૌથી
બોરિંગ રીતે રજૂ કરવામાં આમ પણ આપણા સરકારી પાઠ્યપુસ્તકોના લેખકો નિષ્ણાતો
હોય છે.

વર્ષો પછી કોલેજમાં ઇન્ડિયન કલ્ચર વિષય સેકન્ડ સબ્સિડરી તરીકે
લીધો હતો ત્યારે ફરી લોથલ વિશે ભણવામાં આવ્યું. આ વખતે વિષયની રજૂઆત થોડી
રસપ્રદ હતી અને શિક્ષણ આપવાની પદ્ધતિ પણ એટલે થોડો રસ પડયો. પણ છેવટે તો એ
દ્વિતિય ગૌણ વિષય હતો એટલે રસ જાગ્યો એવો સુકાઇ ગયો.
કોલેજમાં
એનએસએસના કેમ્પમાં તો અરણેજમાં રોકાવાનું પણ બન્યું. ત્યારે કોઇએ કહ્યું જ
નહીં કે અહીંથી પગપાળા ચાલીને જવાય તેટલા જ અંતરે લોથલનો ટીંબો છે. ઘણા
સમય પછી તેની જાણ થઇ ત્યારે અફસોસ થયો. બાદમાં તો વડોદરાથી ભાવનગર જવાનું
થાય ત્યારે દર વખતે રસ્તામાં લોથલના રસ્તાનું સરકારી પાટિયું આવે અને હું
અને ખ્યાતિ એવા મનસૂબા ઘડી લઇએ કે એક દિ વાત છે આ લોથલનો આંટો મારી જ આવવો
પડશે.
મેળ ના પડયો , ના પડયો અને છેક અમદાવાદ ફરી રહેવાનું થયું ત્યારે એકદમ અચાનક વરસાદી બપોરે ધૂન ચડી. ચાલો લોથલ.

અમદાવાદથી
રાજકોટ હાઇવે પર સડસડાટ જઇએ ત્યારે બગોદરાના ચાર રસ્તા આવે છે. ત્યાંથી
લેફ્ટ ટર્ન લઇએ એટલે લોથલનો રસ્તો છૂટો પડે છે. લોથલ જેવા સબ્જેક્ટમાં
તો આપણા જેવા કેટલાને રસ પડે એવો ખ્યાલ હતો એટલે સુમસામ જગ્યાએ આંટા
મારવાનું થશે એવી મારી અને ખ્યાતિની ધારણા હતી. પરંતુ સુખદ રીતે તે ધારણા
ખોટી પડી. અહીં તો ખાસ્સી સંખ્યામાં લોકો હતા. ગુજરાતીઓ ઉપરાંત ગુજરાતમાં
વસી રહેલા દક્ષિણ ભારતીયો તથા અન્ય લોકો પણ પુછતા પુછતા પંડિત થઇને આવી
પહોંચ્યા હતા.

આર્કિયોલોજિકલ
સર્વે ઓફ ઇન્ડિયાએ અહીંથી મળેલી ચીજોના પ્રદર્શન સાથે સમજ આપતું એક નાનું
મ્યુઝિયમ બનાવ્યું છે. લોથલની અત્યારની સાઇટમાં અનુમાન અને કલ્પનાના રંગ
ઉમેરીએ તો કદાચ ત્યારે લોથલ કેવું દેખાતું હશે તેનું સુંદર મોડલ પણ
બનાવ્યું છે. પણ, એક વાત ખૂંચી. આ મ્યુઝિયમમાં કયાંય ફોટા પાડવાની મનાઇ છે.
આ પ્રાચીન ચીજોના કે લોથલના પેલા મોડલના ફોટા પાડીને કોણ શું લાભ લઇ જશે
કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટવાળાને શું નુકસાન થશે એ સમજાયું નહીં. ખેર, પણ
આ મ્યુઝિયમ જોઇને પછી એકચ્યુઅલ સાઇટની લટાર મારવામાં વધારે મજા આવી કારણ
કે ત્યારે સ્થળ પર ઊભા રહીને કેટલીય ચીજો કલ્પી શકાતી હતી.

લોથલમાં
રહેનારા લોકો દુનિયાભરની પ્રજાઓ સાથે વેપાર કરતા હતા. આ દરિયાપારની
પ્રજાઓના સંપર્કના કારણે કદાચ તેમનામાં એક પ્રકારનું રંગીલાપણું આવ્યું
હતું. તેમની જિંદગી સાવ શુ્ષ્ક ન હતી. સ્ત્રી અને પુરૂષે ધારણ કરવાની
સુશોભન અને શણગારની અનેક ચીજો અહીંથી મળી છે તેનો મતલબ કે લોકોને ઠઠ્ઠારો
કરીને મ્હાલવાનો શોખ હશે. સારા દેખાવું, સુંદર લાગવું , સુંદર અને આકર્ષક
રહેવું તેમને ગમતું હશે. ત્યારની નૌકાઓની બનાવટો, વેપાર વણજની રીતો એ વિશે
જાત જાતના અનુમાનો કરી શકાય છે. ત્યારે પૈસાનું ચલણ કેવી રીતે હશે કે કેવી મુદ્દાઓના આધારે બધી ચીજોની લે વેચ થતી હશે તેની કલ્પના કરવાની અમને બંનેને મજા આવી.

લોથલના ટીંબા પર આંટા
મારતાં મારતાં એક વાત જરૂર સમજાઇ. શા માટે આર્કિયોલોજીનું ભણતર મહત્વનું
છે ? શા માટે લોકોને આર્કીયોલોજીમાં રસ લેતાં કરવાં જોઇએ ? આ ભૂતકાળને
સમજવામાં વર્તમાનની અનેક સમસ્યાઓ અને ભવિષ્યના અનેક આયોજનોની ચાવી છૂપાયેલી
છે. પાંચ હજાર વર્ષ પહેલાં અહીં એક બંદર ધમધમતું હતું. એક એવી સંસ્કૃતિ
પાંગરી હતી જેના છેડા આજના પાકિસ્તાન કે ઇરાન સુધી પહોંચતા હતા. એ લોકો
દુનિયાના અન્ય તમામ ખંડો સાથે સંપર્કમાં હતા. તેમનો ધર્મ કયો હતો ? તેઓ
કયા સંપ્રદાયને માનતા હતા ? દેશ માટેની તેમની વ્યાખ્યા શું હતી ? તેઓ કઇ
સરહદોને માન્ય રાખતા હતા ? તેઓ કયું ચલણ સ્વીકારતા હતા ? તેઓ કઇ ભાષા
બોલતા હતા અને ત્યારે તે જમાનામાં દુનિયાના બાકીના દેશોના લોકો સાથે કઇ
ભાષામાં વ્યવહાર કરતા હતા. ? આ પાંચ હજાર વર્ષમાં આપણે કૂંડાળાઓની બહાર પગ
મૂકતા જવાનો હોય તેને બદલે આપણે તો વધારેને વધારે કૂંડાળા
રચતા ગયા છીએ અને સમસ્ત માનવજાતને નાહકના ટેન્શનોમાં કેદ કરતાં ગયાં છીએ.
આપણા પૂર્વજો પાસેથી આપણે શું શીખવાનું હતું, આપણે શું શીખ્યા ? અહીં ઊભા
રહ્યા પછી લોકો જમીનના ટૂકડા માટે ઝઘડતા હોય એ બહુ હાસ્યાસ્પદ લાગે. પોતે
જમાવેલી પ્રોપર્ટી, પોતે જમાવેલાં સામ્રાજ્ય કે અન્ય કોઇએ જમાવેલાં સામ્રાજ્યના વારસ હોવાના અભિમાન વિશે વિચારીએ તો એ બહુ ફની લાગે.

આ
ટીંબા પર આંટા મારતા મારતાં એ પણ સમજાયું કે હજુ હું અમદાવાદના જે વિસ્તાર
માં રહું છું ત્યાં ભૂગર્ભ ગટર યોજના નથી આવી. હજી ખાળકૂવાની સિસ્ટમ ચાલે
છે. ત્યારે હું જે પાંચ હજાર વર્ષ પહેલાંના જે ટેકરા પર ઊભા હતો ત્યાં
મારાથી કેટલેક ડગલાં દૂર આજની આધુનિક નગર યોજનાઓને ટક્કર આપે તેવી ડ્રેનેજ
સિસ્ટમ મોજુદ હતી. મેં વારેવારે સુરતની ગલીઓમાં ઘૂસી જતાં પૂરને જોયું છે
વડોદરામાં આવવા જવાના માર્ગો બંધ થઇ જતાં રસ્તાઓ પર કેદ થઇ જતું પાણી જોયું
છે. પાણી કયાંથી આવશે અને કયાંથી જશે તેનો વિચાર ગુજરાતમાં જ અમદાવાદથી
સવાસો કિલોમીટર દૂરના અંતરે આવેલી આ જગ્યા પર હજારો વર્ષ પહેલાં થઇ ચૂકયો
હતો. આ વિચાર આપણે કયાં ચૂકી ગયા ?