![]() |
| Image by Tekno Kaynak from Pixabay |
‘‘શરૂ થઇ રહ્યા છે નવા એવોર્ડ. વ્હોટસ એપ પર બેસ્ટ ફોરવર્ડેડ મેસેજીસના એવોર્ડ. અનેક કેટેગરીમાં આ એવોર્ડ અપાશે. બેસ્ટ ફોરવર્ડે શાયરી, બેસ્ટ ફોરવર્ડેડ જોક, બેસ્ટ ફોરવર્ડેડ પોલિટિકલ કાર્ટુન, બેસ્ટ ફોરવર્ડેડ હેલ્થ ટિપ્સ, બેસ્ટ ફોરવર્ડેડ ફિલોસોફી, બેસ્ટ ફોરવર્ડેડ હિસ્ટ્રી પોસ્ટ...ટ્વિટર પર મોસ્ટ ટચી વિડીયો, મોસ્ટ ઇમોશનલ વિડીયો, મોસ્ટ કોમિક વિડીયો, મોસ્ટ ડાન્સિંગ વિડિયો, મોસ્ટ ઇન્સપીરેશનલ વિડિયો, ઇન્સાટ પર મોસ્ટ બ્યુટિફૂલ બ્યૂટિ, મોસ્ટ ગ્લેમરસ સેલ્ફી, મોસ્ટ સ્પિરિટેડ ગ્રૂપ ફોટો, એફબી પર લોંગેસ્ટ પોસ્ટ, એફબી પર બેસ્ટ યુઝ ઓફ ઇમોજી એવોર્ડ....’’
યાદી તો લાંબી હતી. પણ આટલું વાંચતાં જ તકુભાઇ થાકી ગયા.
તેમણે મનોમન ગણી કાઢ્યું. આમાંથી કમસેકમ પાંચ કેટેગરીમાં તો પોતે આસાનીથી એવોર્ડ મેળવી શકે છે. ભારે ઉત્સાહથી તેઓ આખો મેસેજ વાંચી ગયા. છેલ્લે એક નંબર આપ્યો હતો. તેમણે ધડ દઇને ફોન ફટકારી દીધો.
‘‘હેલ્લો મારે એવોર્ડ માટે ઇન્ક્વાયરી કરવાની છે. ’’
‘‘એવોર્ડ લેવાનો છે કે આપવાનો છે ? ’’ સામેથી કોઇ છોકરીએ એકદમ મીઠા અવાજમાં પૂછ્યું.
‘‘હેં ? ’’ તકુભાઇ તો પાણી પાણી થઇ ગયા. તેમને અચાનક પોતાની મહત્તાનો ખ્યાલ થયો કે હવે પોતે એવોર્ડ લેનાર નહીં પણ આપનારની કેટેગરીમાં બિરાજે છે. તેમણે ભારે ઉત્સાહથી પૂછ્યું. ‘‘ઇઝી શું છે ? આપણને બેમાંથી એકેયમાં વાંધો નથી. ’’
‘‘ધેટ્સ ગ્રેટ સર, અમારે તમારા જેવા પોઝિટિવ લોકોની જ જરૂર છે. તમે જો આ સ્પિરિટ જાળવી રાખશો તો તમને બેસ્ટ પોઝિટિવ પર્સનનો એવોર્ડ પણ આપી દેશું. ’’
‘‘હેં ? ના..ના...એટલે કે હા..હા...મતલબ કે હું ના શું કામ પાડું. મારી તો બધામાં ‘હા’ જ છે. ’’ તકુભાઇની આંખો સમક્ષ એવોર્ડ સમારંભનાં મનોરમ્ય દૃશ્યો ખડાં થવાં લાગ્યાં.
તેમની સ્વપ્ન યાત્રામાં પેલી છોકરીએ ભંગ કર્યો. ‘‘સર, તમારે અમારી ઓફિસે આવવું પડશે. બિઝનેસ મીટિંગ માટે. યુ નો. બહુ બધા એવોર્ડ બહુ બધી કેટેગરીમાં આપવા લેવાના છે. એટલે ફોન પર લાંબી વાત નહીં થાય. હું એડ્રેસ અને સમય મેસેજ કરું એ પ્રમાણે પહોંચી આવજો. ’’
તકુભાઇને વર્ષોથી કોઇ એવોર્ડ મેળવવાની ઝંખના હતી. પોતાને ક્યારેક તો કોઇ એવોર્ડ મળશે જ એવી આશાએ તેમણે એવોર્ડ સમારોહમાં પહેરવાનાં કપડાં પણ ખરીદી રાખ્યાં હતાં. એ બહાને ફિટિંગ પણ ચેક થઇ જાય એમ વિચારી તકુભાઇ એ એવોર્ડ સ્પેશ્યલ વસ્ત્રોમાં જ સજ્જ થઇ પહોંચી ગયા.
![]() |
| https:// NavGujarat Samay |
તેમને તો પેલા ફોન પર જવાબ આપનારી છોકરી સાથે વન ટુ વન મીટિંગની આશા હતી. પણ આ ઓફિસે તો લાંબી લાઇન લાગી હતી. એક વોલન્ટિઅર જેવો માણસ બધાને લાઇનમાં બેસાડવાની વ્યવસ્થા કરતો હતો.
‘‘આટલી લાંબી લાઇન. આ બધાને એવોર્ડ આપવાના છે ? ’’ તકુભાઇ લાઇન જોઇને ફફડી ગયા. .
વોલઅન્ટિઅર તેમને ઠંડા પાણીની બોટલ અને ટિશ્યુ પેપર ધર્યા. ‘‘સર, ડોન્ટ પેનિક. લાઇન લાંબી છે એ સાચું પણ અમારી પાસે એવોર્ડની કેટેગરી એટલી બધી મોટી છે કે દરેકનો ક્યાંકને ક્યાંક સમાવેશ થઇ જ જશે. તમને આજકાલના ફિલ્મ એવોર્ડઝની તો ખબર છે જ. દરેકને કોઇને કોઇ રીતે લાગતોવળગતો એવોર્ડ ક્યાંક તો મળી જ રહે છે. અમારી કંપનીનું સૂત્ર છે, ‘‘સર્વે સુખીન: સન્તુ’’ એટલે કે અમારે મન મતલબ છે બધાને ખુશ રાખવા.
‘‘હાશ...’’ તકુભાઇએ પરસેવો લૂછ્યો. ‘‘મારે પેલા મેડમ સાથે વાત થઇ છે. એમણે કહ્યું હતું કે એવોર્ડ આપવાની ને લેવાની એમ બેય કેટેગરી છે. મેં બેય કેટેગરીમાં નામ લખાવ્યું છે. ’’
‘‘ગ્રેટ સર..ગ્રેટ.. અમારી કંપની તો નિમિત્ત છે. ટેલેન્ટની કદર કરનારાઓ અને ટેલેન્ટેડ લોકોની વચ્ચે સેતુરૂપ કામગીરી કરવાની. તમે એક કેટેગરીમાં એવોર્ડ સ્વીકારી શકો છો તો બીજી કેટેગરીમાં એવોર્ડ આપી પણ શકો છો. એવી ડબલ ધમાકા સ્કિમ છે જ અમારી પાસે. ’’
‘‘ઓહ..જોરદાર.’’ તકુભાઇને એવોર્ડ આપવાનું મન તો હતું જ પણ ઊંડે ઊંડે એવી પણ ઇચ્છા હતી કે એકાદ એવોર્ડ પોતાને મળી જાય તો સારું. ‘‘મને ડબલ ધમાકા સ્કિમ જ સમજાવો પ્લીઝ. ’’
વોલન્ટિઅરે તકુભાઇને એક કેબિનમાં મોકલી આપ્યા. કેબિનમાં એકને બદલે બે-બે મેડમ હતાં. બંને મેડમે તકુભાઇનું એવું ઉમળકાથી સ્વાગત કર્યું કે તકુભાઇને લાગ્યું કે જાણે પોતાને અત્યારે જ એવોર્ડ મળી ગયો.
એક મેડમ કહે, ‘‘સર, તમે ક્યાં એક્ટિવ છો ? આઇ મિન એફબી, ટિકટોક, વ્હોટસ એપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ....’’
તકુભાઇ કહે, ‘‘ફાસ્ટેટ અને બિગેસ્ટ એવોર્ડ કઇ કેટેગરીમાં ખાલી છે ? ’’
બીજાં મેડમ કહે, ‘‘જુઓ સર તમને જોઇને લાગે છે કે તમારા જેવા ટેલેન્ટેડ માણસ માટે કોઇપણ કેટેગરીમાં કોમ્પિટિશન ઓછી જ છે. પણ તમને જોઇને એવું પણ લાગે છે કે તમે ‘મોસ્ટ ફની વિડીયો ઓન ટિકટોક’ જેવી કેટેગરીમાં તો એમને એમ કશી એક્શન કર્યા વગર કે કશું બોલ્યા વગર માત્ર સાદો વિડીયો ઉતારશો તો પણ નોમીનેટ થઇ જ જશો. ’’
તકુભાઇને અત્યાર સુધી પોતાને જોઇને લોકો હસતા હતા તે વાતે ચીડ ચઢતી હતી. આજે તેમને પહેલીવાર પોતાનો દેખાવ કોઇ રીતે કામનો છે તેનો ખ્યાલ આવ્યો.
પેલાં મેડમ કહે, ‘‘તમે એવોર્ડની ચિંતા ના કરો. એવોર્ડ લેવાનો હોય એની પ્રાઇમરી કેટેગરી છે. એવોર્ડ આપવાનો હોય એની સુપિરિયર કેટેગરી છે. ડબલ ધમાકા સ્કિમ એવી છે કે જે લોકો સુપિરિયર એવોર્ડ કેટેગરીમાં સબસ્ક્રિપ્શન ભરે તેને આપોઆપ એવોર્ડ લેનારાની પ્રાઇમરી કેટેગરીમાં સિલેક્ટ કરી જ લેવાના. ’’
તકુભાઇને લાગ્યું કે પોતે એવોર્ડ આપવા બદલ આભાર માનતી સ્પીચનું રિહર્સલ અત્યારે જ આ મેડમોને કરી બતાવવું જોઇએ. તેમણે પોતાના માનીતા ફિલ્મસ્ટાર્સની થેન્કસ ગિવિંગ સ્પીચ યાદ કરવા માંડી.
એક મેડમ કહે, ‘‘સર, તમારા જેવા સોશિયલ મીડિયા પર એક્ટિવ સેલિબ્રિટી કોઇને કોઇ પેમેન્ટ એપનો યુઝ કરતા જ હશે. લાવો તમારે કોઇ તકલીફ લેવાની જરૂર નથી. અમે જ સુપિરિયર કેટેગરીનાં સબસ્ક્રિપશનની પ્રોસેસ કરી નાખીએ. ’’
‘‘યસ..યસ...’’ કહેતાંતકુભાઇએ જાણે કોઇ એવોર્ડ આપી રહ્યા હોય એ સ્ટાઇલથી જ એ મેડમને ફોન ધરી દીધો. મેડમે પાંચ જ મિનીટમાં ફોનમાં પ્રોસેસ કરીને તેમને ફોન પાછો આપી દીધો. ‘‘બસ, તમને એક-બે દિવસમાં એવોર્ડ ફંકશનનો ફાઇનલ મેસેજ મળી જશે. ’’
મેડમે ફોન સ્વીચ ઓફ કરીને આપ્યો હતો. તકુભાઇએ છેક ઘરે પહોંચીને ચેક કર્યું ત્યારે ખ્યાલ આવ્યું કે તેમના પેમેન્ટ એપ દ્વારા મસમોટી રકમ ડેબિટ થઇ ગઇ હતી.
તકુભાઇએ પેલા નંબર પર ફોન લગાડ્યો. સામેથી રેકોર્ડેડ વોઇસ સંભળાયો. ‘‘કોંગ્રેટસ, તમને મળે છે અમારો ખાસ એવોર્ડ, ઇન્સ્ટન્ટ બેવકૂફ એવોર્ડ...તમારા બેવકૂફ ફેસની લિન્ક આ સાથે આપી છે અને તમારા વતી અમે તમારાં બધાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એ શેર પણ કરી જ દીધી છે. ’’
હવે એ બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ મારવા માટે પણ ઓપન કરવાની તકુભાઇની હિંમત નથી ચાલતી.
(ટકટક, નવગુજરાત સમયમાં પ્રગટ થતી સાપ્તાહિક હાસ્ય કટાર)
--

