Saturday, May 6, 2017

બ્લોગ...એક ભૂલાઇ ગયેલી ગલી....!

કોઇ શહેરમાં વર્ષોથી આપણે રહેતા હોઇએ તે છતાં પણ કેટલાક રસ્તા એવા હોય છે જ્યાંથી આપણે નીકળવાનું ભાગ્યે જ બન્યું હોય છે. કોઇ કોઇ રસ્તા એવા પણ હોય જ્યાં એક જમાનામાં રોજની અવરજવર રહેતી હતી પણ હવે ત્યાં મહિનાઓ સુધી અને કદાચ વર્ષો સુધી જવાનો મેળ ના પડતો હોય. કેટલીકવાર કોઇ રસ્તા માટે એવો અણગમો થઇ જતો હોય છે કે ત્યાંથી નીકળવાનું ટાળીએ છીએ, પછી ભલેને લાંબો ફેરો થાય. ક્યારેક કોઇ રસ્તા પર નીકળતી વખતે કોઇ જૂની જૂની યાદ, કોઇ માઠો અનુભવ , કશુંક લાગણી ઘવાય એવું જેનો સામનો કરવાનું આપણે ટાળતા હોઇએ એવું કશુંક માનસસપાટી પર આવી જશે એવું લાગતું હોય છે અને એટલે જ આપણે ત્યાંથી નીકળવાનું ટાળતા હોઇએ છીએ. કોઇ કોઇ વાર એવું પણ બને કે અનાયાસે આવા કોઇ રસ્તા પર પહોંચી જઇએ તો મન પ્રફુલ્લિત થઇ જાય. એવું થાય કે આપણે આટલા સમય સુધી કેમ અહીં ફરી આવ્યા નહીં.  કોઇ જ કારણ નથી હોતું પણ બસ અમસ્તાં કોઇ રસ્તા પરથી નીકળવાનું રહી ગયું હોય છે. 
કદાચ બ્લોગ અને તેના પર મૂકાયેલી કેટલીય જૂની પોસ્ટ આ રસ્તાઓ જેવી હોય છે. એક સમય હતો જ્યારે બ્લોગ વિશ્વમાં લટાર મારવાનું રોજ રોજ બનતું હતું. તે પછી આટલા સમયમાં એવું થયું કે બ્લોગ ફંફોસીએ ખરા પણ બીજા મિત્રોની પોસ્ટસ જોઇને પછી નીકળી જઇએ. કશુંક લખવાનું ટાળીએ. આ બ્લોગ પર આટલા સમયે પાછો આવ્યો તો જૂના રસ્તા ફંફોસવા જેવી અનુભૂતિ થઇ. પછી થયું કે આ રસ્તા સાથે ઘણી સુખદ યાદો સંકળાયેલી છે. અહીં નિયમિત આંટો મારવાનો પ્રયાસ કરવો જોઇએ. 

No comments:

મતદારોને નાસ્તો કરાવી નેતાઓ પોતાનું જમણ પાકું કરી લે છે

સામાન્ય મતદાર થોડા નાસ્તામાં ઓડકાર ખાઇ લે છે બીજી તરફ ઓડકાર આવી જવો એ નેતાની ગેરલાયકાત ગણાય છે વાદ નહીં, વિવાદ નહીં પણ માત્ર સ્વાદનો મહિમા ગ...