ભગવાન ઉવાચ: મેં માણસની ઓરિજનલ એક જ કોપી બનાવી હતી, તમે બધા તો એના સ્ટ્રેઇન છો
તકુભાઇ મંદિરની બહાર મૂકેલાં ટુ વ્હીલરનું દર્શન ટ્રાફિક પોલીસની ક્રેઇનવાળાને થઇ જાય તે પહેલાં ફટાફટ દર્શન કરીને ભાગવાની ફિરાકમાં હતા ત્યાં તો મૂર્તિમાંથી અવાજ આવ્યો,
'લ્યા, બહુ દિવસો દેખાયો ? '
તકુભાઇ ગભરાયા. મંદિરમાં ખુદ ભગવાન હાજરાહજૂર હોય પછી આમ તો ડરવાનું કારણ ન હતું. તો પણ આ કોણ બોલ્યું.
'આમતેમ જોયા વગર શાંતિથી બેસ મારે થોડી વાત કરવી છે.'
અવાજ આમ તો બહુ સુમધુર પણ સતાવાહી હતો. તકુભાઇ નાછૂટકે ત્યાં જ બેસી ગયા ને એમને ખ્યાલ આવ્યો કે અવાજ ભગવાનની મૂર્તિમાંથી જ આવતો હતો. '
તકુભાઇ વિસ્ફારિત નયને આંખો ફાડીને અને કાન પહોળા કરીને મૂર્તિ સામે જોતા રહ્યા. ખરેખર ખુદ ભગવાન બોલતા હતા.
તકુભાઇ ગદગદ થઇને કહે, 'પ્રભુ, મારા જેવા પાપીની હાજરીનો પણ તમે હિસાબ રાખો છો. બહુ કર્યું. પણ, તમેય જાણો છો કે હમણા મહિનાઓ સુધી તમારાં પોતાનાં દ્વાર જ બંધ હતા. ને હવે સોશિયલ ડિસ્ટન્સિંગને હિસાબે લિમિટેડ ક્વોટોમાં એન્ટ્રી છે. એટલે હજુ તો થોડી ઘરે બેઠા ભક્તિથી ચલાવી લેજો. અહીં સુધી એમ નિયમિત અવાશે નહીં.'
પ્રભુ મરક મરક થઇને હસતાં કહે, 'ડફોળ, કેટલાય ઠોઠ નિશાળિયાઓને શીખવા મળ્યું છે કે સ્કૂલમાં પિરિયડમાંથી ગાપચી મારવી સહેલી છે પણ ઓનલાઇન ક્લાસ ચાલતા હોય એમાં નહીં. એમ તારા જેવા કેટલાય ભક્તોને ખબર પડી ગઇ હોવી જોઇએ કે મંદિરમાં તમે લોકો ખરેખર મારાં દર્શને આવતા હતા કે માત્ર પ્રસાદ ખાતર એ તો આ પાછલા મહિનાઓમાં એના પરથી જ પરખાઇ ગયું છે કે તમે લોકોએ ઘરે બેઠાં કેટલી ભક્તિ કરી છે. '
'અરે હોય કાંઇ પ્રભુ, તમે તો અંતર્યામી છો એટલે મારે તમને કાંઇ ખબર આપવા જેવું છે નહીં. પણ, તે છતાંય મારા વતી કહી દઉં કે ખરેખર આખી જિંદગી તમને જેટલા યાદ નથી કર્યા એટલા આ આખું વર્ષ યાદ કર્યા છે. પ્રભુ ખોટું નહીં બોલું. સુખમાં સોની સાંભરે ને દુઃખમાં સાંભરે રામ વાળી કહેવત ખોટી નથી. આ વખતે તો આ વાયરસે જે વિતાડી છે. અમને લાગ્યું કે તમારો જ આશરો છે.'
'તું તારે બોલ્યે જા. તારા જેવા કેટલાક લોકો એમ પણ કહેશે કે હું બહુ યાદ આવું એટલે જ મેં વાયરસ મોકલ્યો'
'તમેય શું પ્રભુ, હું એવું ક્યાં બોલ્યો જ છું' ?
'તે જ તો કહ્યું હમણાં કે હું અંતર્યામી છું. જો મને આખી દુનિયાની ખબર પડે તો તારી મન કી બાત ખબર પડ જ ને.'
'પ્રભુ જરા ધ્યાન રાખજો. મન કી બાતમાં લોચો એ છે કે પોતાનું મન જ વાત કરે છે , મન પોતાની જ વાત કરે છે અને પોતાનું મન જ એ સાંભળે છે. બાકી, એક જણાની મન કી બાત બીજા કોઇના મનમાં ઉતરતી નથી.'
'અરે વત્સ, આ શું મન-મન મંડી પડ્યો છે ? '
' પ્રભુ, આ તો બધી લોકડાઉન વખતની ટેવો. મનોમન જ વાત કર્યા કરવી પડે. અત્યારે પણ બહાર નીકળીએ છીએ તો માસ્કને કારણે સરખું બોલતાં ફાવતું નથી ને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે દૂરથી જ વાત કરવી પડે એ ગમતું નથી. એટલે અત્યારે ઘણી બધી મનની વાત મનોમન જ ચાલ્યા કરે છે.'
'ભલા માણસ, મને તો લાગે છે કે તારા મનમાં હજુ લોકડાઉન જ રમ્યા કરે છે. તારાં મનને અનલોક કર એટલે ખબર પડશે કે દુનિયા તો બીજી બધી ચિંતા કર્યા વિના પાછી ચાલવા માંડી છે. '
'પ્રભુ, સાચું કહું તો દિવાળી સુધી તો મને પણ એમ લાગતું હતું કે વોહી રફતાર પાછી આવી ગઇ. અમે બજારોમાં ટોળાંબંધ ખરીદીઓ કરી, ધૂમ ફટાકડા ફોડ્યા, નેતાઓની રેલીમાં મેદની બનીને મ્હાલ્યા. અમને તો એમ કે વિક્રમનું નવું વર્ષ આવતાં સુધીમાં તો કોરોનાનો કકળાટ પૂરો થઇ જશે. પણ હવે આ ઇસુનું નવું વર્ષ આવવામાં છે ને પાછો પેલો કોઇ નવો સ્ટ્રેઇન આવ્યો છે.'
'વત્સ, સ્ટ્રેઇન નવો નથી. જાતભાતના સ્ટ્રેઇન તો પહેલેથી છે જ. હા, આ નવાવાળાની ચર્ચા તમે લોકો વધારે કરો છો. '
'હે ભગવાન!, આ તમારી સાથે ચાય વગર ચર્ચા કરવાનો મોકો મળ્યો છે તો પૂછી જ લઉં. એકાદ વાયરસ આવ્યો તો આવ્યો પણ પછી આ નવા સ્ટ્રેઇનની લંગાર પણ ક્યાં આવી ? ખરેખર સ્ટ્રેઇનથી અમારો સ્ટ્રેસ વધી ગયો છે. આ નવા નવા મ્યુટન્ટ આવ્યા કરે એ આખી સિસ્ટમ જ મ્યુટ થઇ જાય એવું નથી કાંઇ ?'
' અરે ભલા માણસ, તમને લોકોને જ તો બધી વાતોમાં મ્યુટન્ટનો એટલે કે નવાં નવાં અપગ્રેડેડ વર્ઝનનો શોખ છે. આ એક મ્યુટન્ટથી તમે લોકો આટલા અકળાઓ શેના છો? તમે લોકો દર વર્ષે એપલનાં નવાં અપડેટની રાહ જુઓ છો. તમે લોકો વર્ષોવર્ષ એન્ડ્રોઇડનું નવું વર્ઝન આવે તો હરખાઓ છો. પાછા ચાર માણસો વચ્ચે ફાંકા મારો છો કે આપણી પાસે તો લેટેસ્ટ વર્ઝન છે. જેમ બધી ટેક્નોલોજી અપડેટ થાય , દરેક પ્રોડક્ટમાં મ્યુટેશન આવે એમ આમાં પણ આવ્યું. આ જ તો સંસારનો નિયમ છે.'
'પ્રભુ, નિયમ શબ્દ તો બોલશો જ નહીં. પાછલા મહિનાઓમાં ઘરની બહાર નીકળવાનો નિયમ, ખરીદી કરવાનો નિયમ, દુકાન ખુલ્લી રાખવાનો નિયમ, દુકાનમાં માણસોને આવવા દેવાનો નિયમ, માણસો આવે એટલે સેનિટાઇઝર છાંટી દેવાનો નિયમ, બસમાં આજુબાજુની એક સીટ ખાલી છોડી દેવાનો નિયમ, કારમાં એકલાં હોઇએ તો પણ માસ્ક પહેરી રાખવાનો નિયમ, લગ્નમાં 50 માણસોને જ બોલાવવાનો નિયમ, રાત પડે કરફ્યૂનો નિયમ....એટલો બધો નિયમ શબ્દ કાને પડ્યો છે કે અમને એમ લાગે છે કે દુનિયાની બધી લાયબ્રેરીઓનાં બધાં પુસ્તકોને લોકડાઉનમાં રાખી એક આ સર્વસમાવેશક નિયમાવલી જ અનલોક રાખીએ.'
તકુભાઇ એક શ્વાસે આટલું બધું બોલી ગયા એમાં એમને શ્વાસ ચઢી ગયો.
પ્રભુ એકદમ ચિંતા અને કાળજીના સૂરે કહે, 'ભક્તજી, નિયમો માત્ર તને જ નહીં મને પણ લાગુ પડે છે. જો મેં પણ આટલા મહિનાઓ મારાં બારણાં બંધ રાખ્યાંને. આખી દુનિયા નિયમ પ્રમાણે ચાલે છે સમજયો. તો જ 400 વર્ષે ગુરૂ અને શનિ ભેગા થાય. એ કાંઇ તારી જેમ રોજેરોજ સોસાયટીનાં નાકે ટોળાં ના જમાવે. '
તકુભાઇ બે હાથ જોડીને કહે, ' પ્રભુ માફ કરો. ભૂલ થઇ ગઇ. બધા નિયમો પાળીશું બસ. પણ, આ મ્યુટન્ટવાળો નિયમ રદ કરી દો. એટલા પૂરતો અપવાદ રાખો. હવે થાકી ગયા.'
પ્રભુ કહે, ' એ શક્ય નથી. સર્જનની શરૂઆત થઇ ત્યારથી મ્યુટેશન છે અને રહેશે. તને ખબર નહીં હોય પણ તું પોતે એક મ્યુટેશન છો. મેં તો માણસની એક ઓરિજનલ કોપી બનાવી હતી. તેમાંથી તમે બધા મ્યુટેટ થયા કરો છો...થયા કરો છો...મેં શું બનાવ્યું હતું અને હવે તમારાં કેવાં કેવાં મ્યુટેશન આવી રહ્યાં છે......'
પ્રભુનો અવાજ મંદ થતો ગયો. તકુભાઇના કાનમાં 'મ્યુટેશન...મ્યુટેશન...'નો પડઘો પડતો ગયો. તકુભાઇ જોરજોરથી 'મ્યુટેશન....મ્યુટેશન'ની ચીસો પાડવા લાગ્યા.
......તકુભાઇ એસટી બસના એકલાઅટૂલા પ્રવાસી તરીકે ઝોકે ચડીને આવી બૂમો પાડતા હતા એટલે કંડકટરે તેમને જગાડયા. 'બોલો, બસ કયા દવાખાને લઇ લઉં, વાયરસવાળા કે માનસિક રોગોવાળા? '