Friday, February 18, 2022

મતદારોને નાસ્તો કરાવી નેતાઓ પોતાનું જમણ પાકું કરી લે છે





સામાન્ય મતદાર થોડા નાસ્તામાં ઓડકાર ખાઇ લે છે બીજી તરફ ઓડકાર આવી જવો એ નેતાની ગેરલાયકાત ગણાય છે


વાદ નહીં, વિવાદ નહીં પણ માત્ર સ્વાદનો મહિમા ગાતી આવી લોકશાહીનો જય હો!


https://epaper.navgujaratsamay.com/c/58525777


રાજકારણ એ કાંઇ ખાવાના ખેલ નથી. મતલબ કે રાજકારણ કરવું બહુ સરળ નથી. પરંતુ, ખાસ કરીને ચૂંટણીઓ પહેલાં પક્ષના કાર્યાલયો અને બીજી લાગતીવળગતી જગ્યાઓએ જોઇએ તો એમ લાગે કે રાજકારણમાં ખાવાના જ ખેલ ચાલે છે. જે નેતા મતદારોને સૌથી સારું ખવડાવી જાણે એને પછી બાકીનાં પાંચ વર્ષ ખાવાપીવાની રીતે કોઇ ખાસ વાંધો આવતો નથી. ને જે નેતા બહુ હોંશિયાર હોય એ આ મતદારોને નાસ્તા ખવડાવી  ખવડાવીને માત્ર પાંચ વર્ષ જ નહીં પરંતુ પોતાની આવતી પાંચ પેઢીને પણ પેટ ભરીને ખાવા મળે તેનો બંદોબસ્ત કરી લે છે.

ચૂંટણી સમયે મોટાભાગના નેતાઓની સભામાં મતદારો પહેલાં ઝોકાં ખાય છે અને કાર્યાલયો પર જઇને પછી સમોસા-કચોરી-ભેળ કે ચાઇનીઝ કે પછી છેવટે ઓલ ટાઇમ ગ્રેટ ભજીયાં ખાય છે અને પછી એ બધું ખાઇને તેની ઉપર પાછો મજાનો ઓડકાર ખાય છે. જ્યારે નેતાની બાબતમાં એવું છે કે ઓડકાર શબ્દ તેની ડિક્શનરીમાં હોતો નથી. જો કોઇ નેતા ઓડકાર ખાઇ લે કે પછી તેને પોતે ધરાઇ ગયો હોવાનું લાગે એ ક્ષણે જ એ નેતાની કારકિર્દી પૂર્ણ થઇ જાય છે. સામાન્ય માણસ માટે ઓડકાર એ ભૂખનું પૂર્ણવિરામ છે જ્યારે નેતા માટે ઓડકાર એ રાજકીય કારકિર્દીનું પૂર્ણવિરામ છે. ચૂંટણી ટાણે સભાઓમાં બગાસાં ખાતાં મતદારોએ ચૂંટણી કાર્યાલય પર જઇને  સેવ ઉસળ કે દૂધ જલેબી ઝાપટ્યા પછી ઓડકાર ખાઇ લેવાનો હોય છે અને પછી બાકીનાં પાંચ વર્ષ તેમણે બગાસાં ખાતાં ખાતાં નેતાઓનો અણનમ ખાવાનો ખેલ જોયા કરવાનો હોય છે. જોકે, ફરી પાંચ વર્ષ પછી બધા નેતાઓ એવા દાવા સાથે નાસ્તાના કાઉન્ટરો ખોલી દે છે કે અમે તો ખાતા જ નથી પરંતુ બાકી બધાને ખાવા દઇએ છીએ ને પ્રજા પણ પાંચ વર્ષે એકવાર નેતાઓ ખાવાને બદલે ખવડાવવા માટે પડાપડી કરે છે તેનાથી ગદગદ થઇને નેતાઓનું ખાધેલું બધું ભૂલીને પાંચ વર્ષે એકવાર આવતો નાસ્તા ઝાપટવાનો અધિકાર ભોગવી લે છે.

ચૂંટણી સમયે મતદારો માટે જામતી નાસ્તાની જ્યાફતો આમ તો નેતાઓની ઉદારતા છે. આપણે ત્યાં સરકારો કાયદામાં લખ્યું હોય કે યોજનાઓ બની હોય તેવા લાભો પણ લોકોને નહીં આપવા માટે બદનામ છે. જ્યારે નાસ્તા બાબતે જુઓ કે ક્યાંય કોઇ બંધારણમાં કે કોઇ નીતિનિયમમમાં કે કોઇ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં પણ તેનો ઉલ્લેખ નથી હોતો. અને તેમ છતાં પણ નેતાઓ પોતાની વર્ષોવર્ષની ભૂખનું જાણે મતદારોમાં પ્રતિબિંબ જોતા હોય તેમ મતદારોને ચૂંટણીના આગલા દિવસોમાં સરખી રીતે ઝાપટવા દે છે. એક રીતે સારું છે કે કોઇ રાજકીય પક્ષ ચૂંટણીમાં અમે મતદારોને મેક્સિન રાઇસ કે અસ્સલ ચાંદની ચોકનાં પરોઠાં ખવડાવશું એવાં વચન ચૂંટણી ઢંઢેરામાં નથી આપતા કારણ કે ચૂંટણી ઢંઢેરામાં કહેવાયું હોય એ નેતાઓને પક્ષે આપવાનો અને મતદારોને પક્ષે એની અપેક્ષા રાખવાનો આપણે ત્યાં રિવાજ નથી.  એક રીતે જોઇએ તો કોઇ મતદારેે ચૂંટણી પછી એવી ફરિયાદ ના કરવી જોઇએ કે આ નેતા તો બહુ ખાય છે કારણ કે નેતાએ પોતે તો ચૂંટાયા પછી ધમધોકાર ખાનપાન પ્રવૃત્તિ શરૂ કરવાના છે એનું ટ્રેલર મતદારોને ચૂંટણી પહેલાં નાસ્તા કરાવીને આપી જ દીધું હોય છે.

ચૂંટણી નેતા અને મતદારો વચ્ચેના અનોખા પ્રેમસંબંધને કાયદેસરતાની મહોર મારી આપતી પ્રક્રિયા છે. એક અર્થમાં જુઓ તો ચૂંટણી વખતના નાસ્તાને કોઇ યુગલના પ્રેમસંબંધ સાથે સરખાવી  શકાય. બંનેમાં ઘણુંખરું છાનુંછપનું ચાલતું હોય છે અને તેમ છતાં ઘણુંબધું સરાજાહેર હોય છે. હજુ તો થોડા વર્ષો પહેલાં પ્રેમસંબંધના પ્રેમપત્ર જેવી જ ચીઠ્ઠીઓનો વ્યવહાર ચૂંટણી પહેલાંના નાસ્તામાં પણ હતો. ત્યારે કાર્યાલયની બહાર જ પ્લેટો વહેંચાતી ન હતી. તેને બદલે નેતાજીના ખાસ માણસ પાસેથી પા કે અડધો કિલો કે બીજી કોઇ સાંકેતિક રીતે લખાયેલી ચીઠ્ઠીઓ મેળવી લેવાની રહેતી હતી. મોટાભાગે પરગજુ નેતાઓ મતદારોને આવી ચીઠ્ઠી લેવા ધક્કો ના ખાવો પડે એટલે તેની ડોર ટુ ડોર ડિલિવરી જ કરી આપતા હતા. પછી મતદાર આ ચીઠ્ઠી લઇને નજીકની ચવાણાં ભૂસાંની દુકાને પહોંચે એટલે તેને પેલી સાંકેતિક ભાષા અનુસારનું ચવાણું કે ખમણનું પેકેટ મળી જતું હતું. ઉલ્લેખનીય એ છે કે આ ચીઠ્ઠી લઇને દુકાને પડીકાં બંધાવી  આવવાની ફરજ સામાન્ય રીતે નાના બાળકોને જ સોંપાતી હતી અને એ રીતે લોકશાહીને મજબૂત બનાવવામાં આ ખાવું-ખવડાવવું એ કેવી  અગત્યની પ્રવૃત્તિ છે તેના સંસ્કાર બાળકોને મળતા હતા.

હવે તો જેમ પ્રેમીયુગલો અમદાવાદના રિવરફ્રન્ટ પર ઉઘાડેછોગ પ્રેમ કરે છે એમ નેતાઓ પણ કાર્યાલયો પર ઉઘાડે છોગ નાસ્તા કરાવે છે. હાલના ઉદારીકરણના જમાનામાં જેમ સવારે ચકી ચકા સાથે બાઇક પર ફરતી  હોય ને સાંજે પકા  સાથે પિક્ચરમાં બેઠી હોય ને ચકો પણ પાછો બપોરે કોઇ મકી સાથે કોફી શોપમાં ઘૂંટડા ભરતો હોય એવો ઉદાર અને અનેકવાદી  પ્રેમ જોવા મળે છે તેમ ચૂંટણીમાં પણ મતદારો એક નેતાને ત્યાં મુઠિયાં ખાય ને બીજા નેતાને ત્યાં કોઇ ખચકાટ વિના ખમણી ખાય એવું જોવા મળતું હોય છે. જોવાની વાત એ છે કે દરેક નેતાને ખબર હોય છે કે આ મતદાર કાંઇ માત્ર મારે ત્યાં જ ભૂખ ભાંગવા નથી આવ્યો. કેટલાંય સ્થળે તો નેતા અને મતદાર વચ્ચે એવા પ્રેમસંબંધ હોય છે કે મતદારો હોંશે હોંશે નેતાને કહી દે છે કે કાલે સામેવાળી પાર્ટીને ત્યાં ગાંઠિયા ખાધા એમાં સોડા બહુ હતો તો તમે જરા ઓછો નખાવજો. ઘણીવાર તો કોઇ વિદ્યાર્થી પરીક્ષાની પૂરતી તૈયારી કર્યા પછી પણ પેપર ફૂટે તેની શોધ કરતો હોય તેમ ચૂંટણીમાં પણ નેતાઓ કાલે સામેની છાવણીમાં શું નાસ્તાનું પ્લાનિંગ છે એ જાણી લેવા જાસૂસી કરાવી આગલા દિવસે   જ એ પેપર ફોડી નાખવાના પ્રયાસ કરતો હોય છે. આમાં પેપર ગમે તેનું ફૂટે પણ છેવટે ઘી ખીચડીમાં ઢળે એમ નાસ્તો તો સુપાત્ર મતદારોની ડિશમાં જ ઢળે છે.

આમ જુઓ તો નાસ્તા એ તદ્દન નિર્દોષ પ્રવૃત્તિ છે. ચૂંટણીમાં હારજીત કાંઇ નાસ્તા પર નક્કી થતી નથી. ડ્રાયફૂટ કચોરી ખવડાવનારા હારી ગયા હોય ને સાદા સેવમમરામાં પતાવનારા પણ જીતી  ગયા હોય એવા દાખલા છે. મતદારો મત આપતી વખતે નાસ્તાની વેરાયટી,  ક્વોન્ટિટી ને ક્વોલિટી બધું જ બાજુ પર મૂકી દે  છે. ઉચ્ચ  ક્વોલિટીના નાસ્તા કરાવનારા ઉમેદવારમાં બીજી સારી ઉમદા ક્વોલિટીઓ હોય તો પણ તેને જ જીતાડવો  એવું મતદારો જરાય  ફરજિયાત સમજતા નથી. આપણે ત્યાં લગ્નપ્રસંગોમાં સંગીત સંધ્યા કે પ્રિ વેડિંગ શૂટ જેવા કાર્યક્રમોની મૂળ લગ્નમાં જરૂરિયાત હોતી જ નથી છતાં લોકોએ એક સામાજિક રિવાજ તરીકે તેને આગળ ધપાવે  જાય છે એમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પણ નાસ્તાઓની હાજરી ફરજિયાત જરૂર નહીં હોવા છતાં એક  રાજકીય વ્યવહાર તરીકે તેને નિભાવવામાં આવે છે. લગ્ન પછીના વરવહુના  ડખામાં કોઇ બૂફે જમી ગયેલા રસ લેતા નથી તેમ ચૂંટણી પછી નેતાઓના જમવા ઝાપટવાના ઝઘડામાં મતદારો પણ બહુ માથું મારતા નથી. વાદ નહીં, વિવાદ નહીં પણ માત્ર સ્વાદનો મહિમા ગાતી આવી લોકશાહીનો જય હો!

Saturday, December 26, 2020

વાયરસની વાત છોડો, આખેઆખો માણસ મ્યુટન્ટ થઇ ગયો છે!

 ભગવાન ઉવાચ: મેં માણસની ઓરિજનલ એક જ કોપી બનાવી હતી, તમે બધા તો એના સ્ટ્રેઇન છો

https://epaper.navgujaratsamay.com/c/57298270



તકુભાઇ મંદિરની બહાર મૂકેલાં ટુ વ્હીલરનું દર્શન ટ્રાફિક પોલીસની ક્રેઇનવાળાને થઇ જાય  તે પહેલાં ફટાફટ દર્શન કરીને ભાગવાની ફિરાકમાં હતા ત્યાં તો મૂર્તિમાંથી અવાજ આવ્યો,
'લ્યા, બહુ દિવસો દેખાયો ? '
તકુભાઇ ગભરાયા. મંદિરમાં ખુદ ભગવાન હાજરાહજૂર હોય પછી આમ તો ડરવાનું કારણ ન હતું. તો પણ આ કોણ બોલ્યું.
'આમતેમ જોયા વગર શાંતિથી બેસ મારે થોડી વાત કરવી છે.'
અવાજ આમ તો બહુ સુમધુર પણ સતાવાહી હતો. તકુભાઇ નાછૂટકે ત્યાં જ બેસી ગયા ને એમને ખ્યાલ આવ્યો કે અવાજ ભગવાનની મૂર્તિમાંથી જ આવતો હતો. '
તકુભાઇ વિસ્ફારિત નયને આંખો ફાડીને અને કાન પહોળા કરીને મૂર્તિ સામે જોતા રહ્યા. ખરેખર ખુદ ભગવાન બોલતા હતા.
તકુભાઇ ગદગદ થઇને કહે, 'પ્રભુ, મારા જેવા  પાપીની  હાજરીનો પણ તમે હિસાબ  રાખો છો. બહુ કર્યું. પણ, તમેય જાણો છો કે હમણા મહિનાઓ સુધી તમારાં પોતાનાં દ્વાર જ બંધ હતા. ને હવે સોશિયલ ડિસ્ટન્સિંગને હિસાબે  લિમિટેડ ક્વોટોમાં એન્ટ્રી છે. એટલે હજુ તો થોડી ઘરે બેઠા ભક્તિથી ચલાવી લેજો. અહીં સુધી એમ નિયમિત અવાશે નહીં.'
પ્રભુ મરક મરક થઇને હસતાં કહે, 'ડફોળ, કેટલાય ઠોઠ નિશાળિયાઓને શીખવા મળ્યું છે કે સ્કૂલમાં પિરિયડમાંથી ગાપચી મારવી સહેલી છે પણ ઓનલાઇન ક્લાસ ચાલતા હોય એમાં નહીં. એમ તારા જેવા કેટલાય ભક્તોને ખબર પડી ગઇ હોવી જોઇએ કે મંદિરમાં તમે લોકો ખરેખર મારાં દર્શને આવતા હતા કે માત્ર પ્રસાદ ખાતર એ તો આ પાછલા મહિનાઓમાં એના પરથી જ પરખાઇ ગયું છે કે  તમે લોકોએ ઘરે બેઠાં કેટલી ભક્તિ કરી છે. '
'અરે હોય કાંઇ પ્રભુ, તમે તો અંતર્યામી છો એટલે મારે તમને કાંઇ ખબર આપવા જેવું છે નહીં. પણ, તે છતાંય મારા વતી કહી દઉં કે ખરેખર આખી જિંદગી તમને જેટલા યાદ નથી કર્યા એટલા આ આખું વર્ષ યાદ કર્યા છે. પ્રભુ ખોટું નહીં બોલું. સુખમાં સોની સાંભરે ને દુઃખમાં સાંભરે રામ વાળી કહેવત ખોટી નથી. આ વખતે તો આ વાયરસે જે વિતાડી છે. અમને લાગ્યું કે તમારો જ આશરો છે.'
'તું તારે બોલ્યે જા. તારા જેવા કેટલાક લોકો એમ પણ કહેશે કે હું બહુ યાદ આવું એટલે જ મેં વાયરસ મોકલ્યો'
'તમેય શું પ્રભુ, હું એવું ક્યાં બોલ્યો જ છું' ?
'તે જ તો કહ્યું હમણાં કે હું અંતર્યામી છું. જો મને આખી દુનિયાની ખબર પડે તો તારી મન કી બાત ખબર પડ જ ને.'
'પ્રભુ જરા ધ્યાન રાખજો. મન કી બાતમાં લોચો એ છે કે પોતાનું મન જ વાત કરે છે , મન પોતાની જ વાત કરે છે અને પોતાનું મન જ એ સાંભળે છે. બાકી, એક જણાની મન કી બાત બીજા કોઇના મનમાં ઉતરતી નથી.'
'અરે વત્સ, આ શું મન-મન મંડી પડ્યો છે ? '
' પ્રભુ, આ તો બધી લોકડાઉન વખતની ટેવો. મનોમન જ વાત કર્યા કરવી પડે. અત્યારે પણ બહાર નીકળીએ છીએ તો માસ્કને કારણે સરખું બોલતાં ફાવતું નથી ને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે દૂરથી જ વાત કરવી પડે એ ગમતું નથી. એટલે અત્યારે ઘણી બધી મનની વાત મનોમન જ ચાલ્યા કરે છે.'
'ભલા માણસ, મને તો લાગે છે કે તારા મનમાં હજુ લોકડાઉન જ રમ્યા કરે છે. તારાં મનને અનલોક કર એટલે ખબર પડશે  કે દુનિયા તો બીજી બધી ચિંતા કર્યા વિના પાછી ચાલવા માંડી છે. '
'પ્રભુ, સાચું કહું તો દિવાળી સુધી તો મને પણ એમ લાગતું હતું કે વોહી રફતાર પાછી આવી ગઇ. અમે બજારોમાં ટોળાંબંધ ખરીદીઓ કરી, ધૂમ ફટાકડા ફોડ્યા, નેતાઓની રેલીમાં મેદની બનીને મ્હાલ્યા. અમને તો એમ કે વિક્રમનું નવું વર્ષ આવતાં સુધીમાં તો કોરોનાનો કકળાટ પૂરો થઇ જશે. પણ હવે આ ઇસુનું નવું વર્ષ આવવામાં છે ને પાછો પેલો કોઇ નવો સ્ટ્રેઇન આવ્યો છે.'
'વત્સ, સ્ટ્રેઇન નવો નથી. જાતભાતના સ્ટ્રેઇન તો પહેલેથી છે જ. હા, આ નવાવાળાની ચર્ચા તમે લોકો વધારે કરો છો. '
'હે ભગવાન!, આ તમારી સાથે ચાય વગર ચર્ચા કરવાનો મોકો મળ્યો છે તો પૂછી જ લઉં. એકાદ વાયરસ આવ્યો તો આવ્યો પણ પછી આ નવા સ્ટ્રેઇનની લંગાર પણ ક્યાં આવી ? ખરેખર સ્ટ્રેઇનથી અમારો સ્ટ્રેસ વધી ગયો છે. આ નવા  નવા મ્યુટન્ટ આવ્યા કરે એ આખી સિસ્ટમ જ મ્યુટ થઇ જાય એવું નથી કાંઇ ?'
' અરે ભલા માણસ, તમને લોકોને જ તો બધી વાતોમાં મ્યુટન્ટનો એટલે કે નવાં નવાં અપગ્રેડેડ વર્ઝનનો શોખ છે. આ એક મ્યુટન્ટથી તમે લોકો આટલા અકળાઓ શેના છો? તમે લોકો દર વર્ષે એપલનાં નવાં અપડેટની રાહ જુઓ છો. તમે લોકો વર્ષોવર્ષ એન્ડ્રોઇડનું નવું વર્ઝન આવે તો હરખાઓ છો. પાછા ચાર માણસો વચ્ચે ફાંકા મારો છો કે આપણી પાસે  તો લેટેસ્ટ વર્ઝન છે.  જેમ બધી ટેક્નોલોજી અપડેટ થાય , દરેક પ્રોડક્ટમાં મ્યુટેશન આવે એમ આમાં પણ આવ્યું. આ જ તો સંસારનો નિયમ છે.'
'પ્રભુ, નિયમ શબ્દ તો બોલશો જ નહીં. પાછલા મહિનાઓમાં ઘરની બહાર નીકળવાનો નિયમ, ખરીદી કરવાનો નિયમ, દુકાન ખુલ્લી રાખવાનો નિયમ, દુકાનમાં માણસોને આવવા દેવાનો નિયમ, માણસો આવે એટલે સેનિટાઇઝર છાંટી દેવાનો નિયમ, બસમાં આજુબાજુની એક સીટ ખાલી છોડી દેવાનો નિયમ, કારમાં એકલાં હોઇએ તો પણ માસ્ક પહેરી રાખવાનો નિયમ, લગ્નમાં 50  માણસોને જ બોલાવવાનો નિયમ, રાત પડે કરફ્યૂનો નિયમ....એટલો બધો નિયમ શબ્દ કાને પડ્યો છે કે અમને એમ લાગે છે કે દુનિયાની બધી લાયબ્રેરીઓનાં બધાં પુસ્તકોને લોકડાઉનમાં રાખી એક આ સર્વસમાવેશક નિયમાવલી જ અનલોક રાખીએ.'
તકુભાઇ એક શ્વાસે આટલું બધું બોલી ગયા એમાં એમને શ્વાસ ચઢી ગયો.
પ્રભુ એકદમ ચિંતા અને કાળજીના સૂરે કહે, 'ભક્તજી, નિયમો માત્ર તને જ નહીં મને પણ લાગુ પડે છે. જો મેં પણ આટલા મહિનાઓ મારાં બારણાં બંધ રાખ્યાંને. આખી દુનિયા નિયમ પ્રમાણે ચાલે છે સમજયો. તો જ 400 વર્ષે ગુરૂ અને શનિ ભેગા થાય. એ કાંઇ  તારી જેમ રોજેરોજ સોસાયટીનાં નાકે ટોળાં ના જમાવે. '
તકુભાઇ બે હાથ જોડીને કહે, ' પ્રભુ માફ કરો. ભૂલ થઇ ગઇ. બધા નિયમો પાળીશું બસ. પણ, આ મ્યુટન્ટવાળો નિયમ રદ કરી દો. એટલા પૂરતો અપવાદ રાખો. હવે થાકી ગયા.'
પ્રભુ કહે, ' એ શક્ય નથી. સર્જનની શરૂઆત થઇ ત્યારથી મ્યુટેશન છે અને રહેશે. તને ખબર નહીં હોય પણ તું પોતે એક મ્યુટેશન છો. મેં તો માણસની એક ઓરિજનલ કોપી બનાવી હતી. તેમાંથી તમે બધા મ્યુટેટ થયા કરો છો...થયા કરો છો...મેં શું બનાવ્યું હતું અને હવે તમારાં કેવાં કેવાં મ્યુટેશન આવી રહ્યાં છે......'
પ્રભુનો અવાજ મંદ થતો ગયો. તકુભાઇના કાનમાં 'મ્યુટેશન...મ્યુટેશન...'નો પડઘો પડતો ગયો. તકુભાઇ જોરજોરથી 'મ્યુટેશન....મ્યુટેશન'ની ચીસો પાડવા લાગ્યા.
......તકુભાઇ એસટી બસના એકલાઅટૂલા પ્રવાસી તરીકે ઝોકે ચડીને આવી બૂમો પાડતા હતા એટલે કંડકટરે તેમને જગાડયા. 'બોલો, બસ કયા દવાખાને લઇ લઉં, વાયરસવાળા કે માનસિક રોગોવાળા? '

Thursday, December 3, 2020

સાહેબ હિરો, જેટલી વિલન ! મરજી વગર પણ માણો આ નાટક ‘નોટબંધી’

આ નાટક ટ્રેજેડી છે કે કોમેડી એ તો એ પૂરું થાય ત્યારે તમારા અનુભવ પરથી નક્કી કરી લેજો.





સ્ટેજ પર પડદો ઊંચકાય છે.

તરત જ દદડતો દદડતો રૂપિયો સ્ટેજ પર આવીને રાડ નાખે છે.

રૂપિયો : એલા પૂરતી તૈયારી વગર પડદો કેમ ઊંચકી લીધો....હજુ અહીં કેટલાંય કેરેક્ટરે ડાયલોગ ગોખવાના બાકી છે, અડધાં નાટક પછીના તો ડાયલોગ પણ લખવાના બાકી છે, હિરો સિવાય કોઇના મેકઅપ તૈયાર નથી અને કેટલાંક કેરેક્ટરના કમ્પોઝિશન પણ બાકી છે. કહું છું પડદો પાડો...પડદો પાડો..નહીં તો બહુ છબરડા વળશે.......

ઉર્જિત : (સ્ટેજ પર આવ્યા વિના બેકગ્રાઉન્ડમાંથી) નહીં પડે પડદો...હિરોનો આદેશ છે કે પડદો ઊંચકી લો. હિરોનો હુકમ છે કે મારો મેકઅપ તૈયાર છે, મારા ડાયલોગ તૈયાર છે. એ પછી નાટક ચાલુ કરવામાં કોઇની રાહ જોવાની નથી. કોઇ તૈયારીઓના બહાના કાઢવાના નથી.

રૂપિયો : ભલા માણસ, આ હિરો બહુ ઓવરકોન્ફિડન્ટ છે. પણ, એમને કહો કે એમના ડાયલોગ અને મેકઅપ તૈયાર હોય એટલા ખાતરથી નાટક શરૂ ના કરી દેવાય. બીજા બધાનું પણ વિચારવાનું કે નહીં. નાટક જોવા આવેલાં ઓડિયન્સનું પણ વિચારવાનું કે નહીં.

ઉર્જિત : ( ફરી બેકગ્રાઉન્ડમાંથી જ ) ઓડિયન્સ ? નાટક જોવા આવેલાં ઓડિયન્સ ? અરે રૂપિયાભાઇ, આ ઓડિયન્સ નાટક જોવા સામેથી ચાલીને આવ્યું નથી એમને તો ફરજિયાત અહીં બેસાડી દેવાયું છે. એમને આ નાટક જોવાની મરજી છે કે નહીં એ કોઇએ પૂછ્યું નથી. અહીં આપણે નાટકના નામે જે કાંઇ કરવાનું છે એ કોઇ પૂછવાનું નથી.

રૂપિયો નિસાસો નાખે છે. ત્યાં તો ધમાધમ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ચાલુ થાય છે. લાઇટ્સના શેરડા સ્ટેજ પર આમતેમ વિંઝાય છે. હોલમાં પરાણે બેસાડી દેવાયેલું ઓડિયન્સ કોલાહલ મચાવે છે. ત્યાં સ્ટેજ પર હિરો પ્રગટ થાય છે.

હિરો : મિતરોં......

હિરો હજુ તો આટલું બોલે છે ત્યાં તો ખુદ સાહેબ જ હિરો તરીકે પ્રગટ થયા છે એવો ખ્યાલ આવી જતાં ઓડિયન્સ હર્ષઘેલું બની સિસોટીઓ મારે છે. ઝિંદાબાદ..ઝિંદાબાદ..ના નારા પણ શરૂ થાય છે. કેટલાક પ્રેક્ષકો અંદરોઅંદર વાત પણ કરે છે કે આ સાહેબ બહુ જોરદાર કલાકાર છે. શી એની ડાયલોગ ડિલિવરી, શી એની વાક્છટા, શી એની ભાવાવેશ બતાવવાની કળા....આપણે તો આ સાહેબને હિરો તરીકે પામીને ધન્ય ધન્ય થઇ ગયા.

રૂપિયો : અરે હિરોજી....આપનું સ્ટેજ પર સ્વાગત છે. પરંતુ, થોડી તૈયારીનો સમય તો આપો. એમને એમ નાટક ચાલુ કરી દેવાનું.

હિરો : તૈયારી ? હું જે નાટકમાં હિરોનો રોલ કરું એ નાટકમાં ફોક્સ મારા પર જ હોય, ડાયલોગ મારે એકલાએ જ બોલવાના હોય, બાકીનાં પાત્રોએ તો મારા ડાયલોગ ઝીલવાના જ હોય, ઓડિયન્સ માટે તાળી પાડવાનું ફરજિયાત જ હોય, હું ચાલુ નાટકે સ્ટેજ પર ગમે તેનું પાત્ર વેતરી કાઢું અને ગમે તેને બેક સ્ટેજમાંથી સેન્ટર સ્ટેજ પર લઇ આવું. મારું દરેક નાટક તો એક્ચ્યુલી વન મેન શો હોય છે. એટલે મારી એકલાની તૈયારી હોય એ બહુ થઇ ગયું. બાકી બધાએ મને રિસ્પોન્ડ જ કરતા રહેવાનું

રૂપિયો : ધન્ય ધન્ય તમને....આખી દુનિયા જાણે છે કે આજની તારીખે તમે સુપરસ્ટાર છો. તમારા એકલાના નામે આખે આખાં નાટકો ચાલે છે. શહેરમાં જેટલા લાઇટના થાંભલા નથી હોતા તેટલા તમારા કટઆઉટ અને પોસ્ટર છે. બધી વાત સાચી પરંતુ તમારું ધ્યાન દોરવાનું કે આ ફૂલ લેન્થ નાટક છે. મોનોલોગ નથી. ખરેખર તો આવાં નાટક માટે ફૂલ ડ્રેસ રિહર્સલ પણ થવું જોઇએ.

હિરો : ફૂલ ડ્રેસ રિહર્સલ....ઓ રૂપિયાજી. તમે કઇ દુનિયામાં રહો છો ? આખી દુનિયા મારા ફૂલ ડ્રેસ શોથી વાકેફ છે. પૂછી જુઓ આ ઓડિયન્સની જનતા જનાર્દનને. (પછી ઓડિયન્સને સંબોધીને ) :  મારા ફૂલ ડ્રેસ શો વિશે તમને બધાને બધી ખબર છે કે નહીં.....?

હિરોઘેલું ઓડિયન્સ ઝિંદાબાદ...ઝિંદાબાદ...ના નારા પોકારે છે.

હિરો : રૂપિયાજી, તમે બહુ બોલ બોલ કરો છો. મને અને આ ઓડિયન્સને મારું જ બોલવું પસંદ છે. જાઓ હું હુકમ આપું છું. તમને આ સ્ટેજ પરથી ગૂમ કરવામાં આવે છે.

રૂપિયો ગભરાઇ જાય છે. ત્યાં સ્ટેજ પર અરૂણ જેટલી અને ફાઇનાન્સ એવું લખાણ ધરાવતી ટી શર્ટ પહેરેલા કલાકારોની એક ટૂકડી ધસી આવે છે. સાહેબ ઇશારો કરે છે કે તરત જ આ ટૂકડી રૂપિયાને ઉઠાવી સ્ટેજ પરથી ગાયબ કરી દે છે.

સાહેબ : (ઓડિયન્સને સંબોધીને) મિતરોં.....આ રૂપિયા પર કાળી છાયા પડતી હતી. એટલે ઓડિયન્સમાંથી બેઠેલા મોટાભાગના લોકોને એ બરાબર દેખાતો ન હતો. મારા સાથીઓ આ રૂપિયાને ધોવા માટે પાછો લઇ ગયા છે. તેને ચોખ્ખો , દૂધ જેવો ઊજળો અને સફેદ કરી ફરી આ સ્ટેજ પર પેશ કરાશે. આજનું નાટક આ જ છે...આ નાટકનું નામ છે ‘નોટબંધી’ અમે આ નાટકમાં રૂપિયાને ગુમ કરી પાછો લાવવાનો ખેલ ભજવવાના છીએ. 

ઓડિયન્સ ઝિંદાબાદ ઝિંદાબાદના નારા પોકારે છે.

સ્ટેજ પર એક પછી એક એન્ટ્રીઓ શરૂ થાય છે અને બધા ગમેતમે ડાયલોગ ફેંકવા માંડે છે.

જેટલી : આ રૂપિયાને ગાયબ કરી દેવાનું અમારું કદમ બહુ ઐતિહાસિક છે. આનાથી ઓડિયન્સને ફાયદો થશે. ઓડિયન્સમાં વસતિ જરા વધારે દેખાય છે એટલે બધા વચ્ચે આ ફાયદો વહેચાતાં થોડો સમય લાગશે.

ફાઇનાન્સ પર્સન 1 : કોઇએ ગભરાવાની જરૂર નથી. રૂપિયો ટેમ્પરરી જ ગાયબ થયો છે. બે-ત્રણ દિવસમાં પાછો આવી જશે.

ફાઇનાન્સ પર્સન 2 : અમે તો રૂપિયો પાછો લાવશું જ. પણ જો કોઇએ રૂપિયાને છાવર્યો છે તો ખબરદાર એનું આવી બનશે.

ફાઇનાન્સ પર્સન 3 : જરા ધીરજ ધરો. રૂપિયો બે દિવસમાં પણ પાછો આવી શકે છે અને બે મહિને પણ. કદાચ એ પહેલાં જે સ્વરૂપ અને કદમાં હતો તેવો પાછો ના પણ આવે. ધીરજ ધરો. અમે રૂપિયાને નવાં સ્વરૂપે રજુ કરવાનાં નવાં મશીન મગાવ્યાં છે.

સ્ટેજ પર રાઇટ વિંગમાંથી લાઇનબંધ માણસો આવવાના શરૂ થાય છે. આ લાઇન રાઇટ વિંગમાંથી આવી લેફ્ટવિંગમાં પાછી જતી રહે છે.

જેટલી : જોયું આપણા હિરો સાહેબનો ચમત્કાર. આવો લાઇન શો ક્યારેય દુનિયાના બીજા કોઇ નાટકમાં જોયો ? ઓડિયન્સમાં બેઠેલા તમામ પણ રૂપિયો પાછો આવે ત્યાં સુધી આમ લાઇન લાઇન રમી શકે છે.

ફરી પેલી ફાઇનાન્સ પર્સનની ટીમ એક પછી એક આવીને ડાયલોગ બોલવા માંડે છે.

ફાઇનાન્સ પર્સન 1 : 500-1000ની જૂની નોટો તા. 30 ડિસેમ્બર સુધી બદલાવી શકાશે.

ફાઇનાન્સ પર્સન 2 : જૂની નોટો બદલાવવાનું હવે બંધ. માત્ર જમા કરાવી શકાશે.

ફાઇનાન્સ પર્સન 3 : પેટ્રોલ પંપો પર હવે 1000ની નોટ નહીં ચાલે. 500ની જ નોટ 15 ડિસેમ્બર સુધી ચાલશે.

ફાઇનાન્સ પર્સન 4 : પેટ્રોલ પંપો પર હવે બીજી ડિસેમ્બર પછી 500ની નોટ નહીં ચાલે.

ફાઇનાન્સ પર્સન 5 : કોઇએ ઘરમાં કેટલું સોનું રાખવું તે સરકાર નક્કી કરશે.

ફાઇનાન્સ પર્સન 6 : કોણે કેટલું સોનું રાખવું તે અમે નક્કી નથી કર્યું. એ તો જૂનો કાયદો છે જ.

હિરો સાહેબ (જેટલીને ) વાહ...તમારી ટીમનું કહેવું પડે. બદલાતા ડાયલોગ વચ્ચે હવે શું આવશે એ અંગે ઓડિયન્સની જિજ્ઞાસા વધતી જાય છે.

જેટલી : અરે સાહેબ, તૈયારી વગરના નાટકમાં ભાગ લેવાની આ જ મજા છે. જે મનમાં આવે એ ડાયલોગ તરીકે બોલી નાખવાનું. જુઓ આ ટીમના લીડર તરીકે હું પણ કાંઇ કમ નથી.

જેટલી ( સ્ટેજના એક ખૂણે જઇને) : જુઓ બે દિવસ તકલીફ છે. પછી બધું સરખું થઇ જશે.

જેટલી ( સ્ટેજના બીજા ખુણે જઇને) : જુઓ રૂપિયાને પાછો લાવવા માટે અમે મશીનો બદલી રહ્યાં છીએ. ચાર વીક તો લાગશે.

જેટલી ( સ્ટેજના ત્રીજા ખુણે જઇને) : આ લાઇનો લાગી છે એનાથી ગભરાશો નહીં. દેશની વસતિ જ આટલી છે તો લાઇનો તો લાગે જ.

જેટલી ( સ્ટેજના ચોથા ખુણે જઇને ) : પરિસ્થિતિ સામાન્ય થતાં આ મહિનો નીકળી જશે.

હિરો સાહેબ ( તાળીઓ પાડતાં પાડતાં) : ગુડ પરફોર્મન્સ, ગુડ પરફોર્મ્ન્સ . હવે જુઓ મારી સ્ટાઇલ...

હિરો  (સ્ટેજની આગળ આવી એક દિશામાં જોઇને ) : બસ, 50 દિવસ તકલીફ વેઠી લો.

હિરો ( સ્ટેજની બીજી દિશામાં જઇને એકદમ ભાવુક થઇ આંખોમાં આંસુ સાથે ) : મને ખબર છે કે પેલા લોકો મને મારી નાખવાના છે.

હિરો ( સ્ટેજની ત્રીજી દિશામાં જઇને આક્રોશ સાથે) કાળા રૂપિયાને સંઘરનારા એકપણ ચમરબંધીને નહીં છોડું.

હિરો (સ્ટેજની ચોથી દિશામાં જઇને હળવા સૂરે ) ચાલો. ઓકે. 50 ટકા આપી દો તો કાળા રૂપિયાને ધોળો કરીને અડધો પાછો આપી દેશું.

આ બાજુ ઓડિયન્સમાં હજુ ક્યાંક ઝિંદાબાદના પોકારો સંભળાય છે, ક્યાંક ડૂસકાં ચાલુ થયાં છે, ઓડિયન્સમાંથી કેટલાક લોકો ઢળી પડ્યાના પણ સમાચાર છે. કોઇ ઓડિયન્સમાંથી ગણગણાટ શરૂ થાય છે કે બધા રૂપિયાની રાહમાં અહીં બેઠા છે એમાં બહાર બધા ધંધા ચોપટ થઇ ગયા છે. પેલાં ટોળાંનો ગોકીરો હજુ ચાલુ જ છે.

હિરો : મિતરોં....આ રૂપિયો ગાયબ થવાનું નાટક છે. એમાં તમે માત્ર ઓડિયન્સ નથી. તમે પણ આ નાટકનો હિસ્સો જ છો. એટલે હું તમારા ઓડિયન્સમાંથી પણ બધાનાં પાત્ર નક્કી કરી દઉં છું. ચાલો, તમારામાંથી જે રૂપિયો ગાયબ થવા વિશે કકળાટ કરશે એ બધા બેનંબરી, અપ્રમાણિક, દેશદ્રોહીનું પાત્ર ભજવી રહ્યાનું જાહેર થશે. 

જેટલી : અરે વાહ સાહેબ...શું આઇડિયા છે ? ઓડિયન્સ પણ આ નાટકનું પાત્ર છે....વાહ હિરોસાહેબ....મને ગર્વ છે કે આ મહાન નાટકમાં તમે હિરો છો અને હું તમારો આસિસ્ટન્ટ છું.

હિરો પોતાનો ડાયલોગ બોલે એ પહેલાં સ્ટેજ પર બેક વિંગમાં રૂપિયો દેખાયાનો આભાસ થાય છે. આ વખતે રૂપિયા ફરતે ગુલાબી રંગનું વર્તુળ છે. જાણે રૂપિયો બોલતો હોય એવો જ કોઇ દબાયેલો, કણસતો અવાજ આવે છે.

રૂપિયા જેવો અવાજ : જેટલીજી, નોટબંધીના આ નાટકમાં સાહેબ ભલે હિરો હોય પણ તમે તો વિલન છો, વિલન....

જેટલી : હેં....હું વિલન ? (ઓડિયન્સને સંબોધીને ) શું આ નાટકમાં હું તમને વિલન લાગું છું.

ઓડિયન્સ મૌન થઇ જાય છે. રૂપિયો પીડાભર્યું હાસ્ય કરે છે.

જેટલી (હિરો પાસે જઇને ) : હિરો સાહેબ. આ તો ગજબ થયો. આ નાટકમાં હું તો વિલન બની ગયો. હિરો સાહેબ, હવે આ નાટક બંધ કરવું પડશે.

હિરો : શું તમે પણ જેટલી ? તમે જ કહો. જે નાટક આપણે  તૈયારી વગર જ ચાલુ કરી દીધું હોય, જેના ડાયલોગ પણ હજુ ચાલુ નાટકે લખાઇ રહ્યા હોય એ નાટકનો અંત પહેલેથી નક્કી હશે તે તમે કેમ માની લીધું. હવે જેમ ચાલતું હોય તેમ ચાલવા દો.

જેટલી : પણ હિરો સાહેબ આ ઓડિયન્સને ક્યાં સુધી બેસાડી રાખશું ?

હિરો : તમે ચિંતા ના કરો. ઓડિયન્સનું ફોક્સ મારા તમારા પર નહીં પણ બેક વિંગમાં પેલો રૂપિયા જેવો આભાસ દેખાય છે એના પર છે. આપણે ઇચ્છા થાય ત્યારે સ્ટેજ પર એન્ટ્રી-એક્ઝિટ મારતા રહેશું અને મનમાં આવે તે ડાયલોગ બોલતા રહેશું. લોકોને લાગશે કે આપણે રૂપિયાને પાછો લાવવા ટ્રાય કરી રહ્યા છીએ. શો મસ્ટ ગો ઓન....

હિરો અને જેટલી બેકસ્ટેજમાં જઇ ઉર્જિતને પડદો નહીં પાડવાની સૂચના આપી દે છે.

રૂપિયા જેવો અવાજ : અરે જતાં જતાં એ તો ડિક્લેર કરતા જાઓ કે આ શરૂ થયું છે એ નાટક ટ્રેજેડી છે કે કોમેડી !

હિરો : જુઓ અમે તો પ્રસન્ન છીએ એટલે અમારા માટે કોમેડી....તમે ત્રસ્ત છો એટલે તમારા માટે ટ્રેજેડી....( પછી ઓડિયન્સને સંબોધીને ) આ નાટક ટ્રેજેડી છે કે કોમેડી એ નાટક પતે ત્યારે તમારા અનુભવ પ્રમાણે નક્કી કરી લેજો.

ઓડિયન્સ હવે ઝિંદાબાદ..ઝિંદાબાદને બદલે ‘રૂપિયો..રૂપિયો ’ એવા પોકાર કરવા માંડે છે....સ્ટેજ પર હવે માત્ર અંધકાર છે...બેક વિંગમાં રૂપિયાનો ગુલાબી આભાસ છે અને ઓડિયન્સમાં ચીસાચીસ, ડૂસકાં અને ચર્ચાના ઘોંઘાટ વચ્ચે ‘રૂપિયો રૂપિયો’ના પોકાર સંભળાયા કરે છે.


Wednesday, March 18, 2020

એક ધારાસભ્યનું રિસોર્ટચિંતન : ડેસ્ટિનેશન વેડિંગની જેમ રિસોર્ટમાં જ રાજ્યસભાનું ડેસ્ટિનેશન ઇલેક્શન ગોઠવો

ધારાસભ્યો તો પોતપોતાની રીતે બીજાં રાજ્યોમાં રિસોર્ટમાં ઉપડી જાય છે પણ પંચાયતો, મ્યુનિસિપાલિટીઓ, બજાર સમિતીઓ, ક્લબો, જ્ઞાતિ મંડળો અને સોસાયટીઓની ચૂંટણીઓમાં પણ તંદુરસ્ત લોકશાહી પ્રણાલિઓનાં સંવર્ધન માટે દરેક તાલુકે તાલુકે અને શહેરોના દરેક વોર્ડમાં પણ નાનાં-મોટાં રિસોર્ટનું ચૂંટણી ઢંઢેરામાં વચન આવશે


https://epaper.navgujaratsamay.com/m5/2597943/Gulmohar/18-March-2020#page/4/1



એક મસ્તમજાનાં રિસોર્ટમાં પહોચેલા એક ધારાસભ્યને એક જોરદાર તકલીફ ઊભી થઇ ગઇ. એમને વિચારનો એટેક આવ્યો. તેમણે સાથી ધારાસભ્યોને વાત કરી. સાથીઓએ આશ્વાસન આપ્યું, ‘‘સારું થયું તમને અહીં પહોંચી ગયા પછી વિચાર આવ્યો. બાકી જે લોકોને વિચારના બહુ એટેક આવે છે એ બાપડા રિસોર્ટસુખ માણી જ નથી શકતા. એક પીઢ ધારાસભ્યએ તો સલાહ આપી, ‘‘ભલા માણસ, તમને વિચારોના એટેક આવે છે એ વાત બધાને ના કરશો. મોવડીઓ સુધી વાત પહોંચશે તો આવતી ધારાસભા ચૂંટણીમાં તમારી ટિકિટ કપાઇ જશે. વિચાર કરવો એ ધારાસભ્ય જ નહીં લોકસભા, રાજ્યસભા, મ્યુનિસિપલ કાઉન્સિલ, પંચાયત સભ્ય એવી બધી પોસ્ટ માટે બહુ મોટી ગેરલાયકાત છે. અહીં તો હવે મગજ બંધ કરીને હાઇકમાન્ડ કહે એમ શિસ્તબદ્ધ રીતે વર્ત્યા કરે એવા જ ચાલે. મહેરબાની કરીને તમારા વિચાર છૂપાવો. ક્યાંક અંદર મનમાં ભંડારી દો.’’
ધારાસભ્ય તો વિચારપ્રકોપથી ભારે પરેશાન થઇ ગયા. વિચારોના હથોડા એમના નાનકડાં મગજમાં હથોડાની જેમ ઝિંકાવા લાગ્યા. ધારાસભ્યને લાગ્યું કે પોતાના વિચારોનું વમન કે વાછૂટ તેમણે કોઇ સ્વરૂપે તો કરી જ નાખવું પડશે.
રિસોર્ટમાં ધારાસભ્યોને મોબાઇલની છૂટ ન હતી. તેઓ કશું લખી વાંચી શકે તેવી કોઇને કલ્પના પણ ન હોવાથી પુસ્તકો કે નોટબુક-પેનની પણ વ્યવસ્થા ન હતી. પરંતુ, આ ધારાસભ્યના મગજમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાયું હતું એટલે તેમને ફટાફટ આઇડિયા પણ આવવા માંડ્યા. વેઇટરને તો મગજ વિચારોથી ખરાબ છે એવું સમજાવવામાં ટાઇમ જાય એમ હતો એટલે પેટ ખરાબ છે એવું કહીને આખો ટોઇલેટ પેપર રોલ મગાવી લીધો. પેટ ખરાબ હોવાથી હથેળીમાં એક્યુપ્રેશર કરવા જોઇએ છીએ એમ કહીને પેન્સિલ મગાવી લીધી.
સૌ પહેલાં તો તેમણે રિસોર્ટ ડાયરી લખવાની શરૂ કરી.
‘‘મારો દૃઢ વિચાર છે કે રિસોર્ટ એ આધુનિક લોકશાહીનાં મંદિરો છે. આધુનિક લોકશાહીઓ રિસોર્ટ વ્યવસ્થાઓ પર ટકી રહી છે. ખાસ કરીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવાનું હવે શક્ય બને છે તેનું કારણ માત્રને માત્ર રિસોર્ટસ છે. મારા મતે તો હવે પછીથી ધારાસભાની બેઠક કોઇ રિસોર્ટમાં જ મળવી જોઇએ. આમેય મારા કેટલાય સાથી ધારાસભ્યો ધારાસભ્ય તરીકે ચૂંટાઇ ગયા પછી માત્ર ખાણીપીણી ને મોજમજામાં જ પાંચ વર્ષ પસાર કરે છે. પછી તેઓ ચૂંટણી ટાણે તેમના કાર્યકરોને ખાણીપીણી અને મોજમજા કરાવીને ચૂંટાઇ જાય છે. જો ધારાસભ્યો મનથી પાંચ વર્ષ રિસોર્ટ લાઇફ જ જીવતા હોય અને વારંવાર ધારાસભ્ય તરીકેનું પોતાનું મૂલ્ય યથાર્થ ઠેરવવા માટે વારંવાર રિસોર્ટનો જ આશરો લેવાતો હોય તો ધારાસભાઓની બેઠક કોઇ રિસોર્ટમાં કેમ નહીં? સામાન્યપણે જોવામાં આવ્યું છે કે પ્રજાને ધારાસભાની કાર્યવાહી બોરિંગ લાગે છે. પરંતુ, રિસોર્ટમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે પ્રજા સદૈવ ઉત્સુક હોય છે. તેમાં પણ કયા ધારાસભ્યો કયાં રિસોર્ટમાં શું કરી રહ્યા છે તે જાણવા માટે તો પ્રજામાં ભારે ઉત્તેજના હોય છે. આથી જો ધારાસભાઓની કાર્યવાહીઓ પણ રિસોર્ટમાં યોજાવા માંડે તો એ બહાને પ્રજા ધારાસભાની કાર્યવાહીમાં રસ લેતી થશે અને એ રીતે સરવાળે પ્રજા લોકશાહી પ્રક્રિયાઓ અંગે વધારે જાગૃત થશે અને છેવટે તો લોકશાહીનો જ જયજયકાર થશે.
મારો વિનમ્ર મત છે કે જો આખેઆખી ધારાસભાની કાર્યવાહી હાલ પુરતી રિસોર્ટમાં ખસેડવી શક્ય ના હોય તો કમસેકમ રાજ્યસભાની ચૂંટણીઓનાં મતદાન મથક તો રિસોર્ટમાં જ હોવાં જોઇએ. હવે તો લગ્નોમાં પણ ડેસ્ટિનેશન વેડિંગની સિસ્ટમ છે તો રાજ્યસભાની ચૂંટણી પણ ડેસ્ટિનેશન ઇલેક્શન તરીકે કોઇ રિસોર્ટમાં જ થવી જોઇએ. ડેસ્ટિનેશન વેડિંગમાં બેય પક્ષના સાજનમાજન પહેલેથી રિસોર્ટમાં પહોંચી જાય, બે-ત્રણ દિવસ સુધી જાતજાતનાં ફંકશન, ગીતસંગીત, નૃત્યની રમઝટ ચાલે, ધૂમ ફોટોગ્રાફી થાય ને પછી બધા હારતોરા કરી એકબીજાને વધાવી આનંદ પામી પાછા ફરે. ચૂંટણીઓમાં પણ આ જ પ્રક્રિયા થાય છે પણ દરેકના મતવિસ્તારમાં છૂટીછવાઇ થાય છે. તેને બદલે રાજ્યસભા ચૂંટણીના પંદર દિવસ પહેલાંથી જ તમામ પક્ષોના ધારાસભ્યો એક જ રિસોર્ટમાં હોય અને અંતાક્ષરીથી માંડીને સંતાકૂકડી સહિતન મોજમસ્તી ચાલે ને એમ ને એમ કોઇ મુરતિયાનું ગોઠવાઇ જાય ને અંતે સૌ ખાઇપીને પાછા ફરે. દરેક મેરેજ ઇવેન્ટમાં લેતીદેતીના વ્યવહારો હોય છે, બંધ કવરો અપાતાં હોય છે, કોઇ કોઇ ખાસ મહેમાન બંને પક્ષે મહાલતા હોય છે એવું બધું જ રાજ્યસભા ચૂંટણીમાં પણ હોય છે. લગ્ન પછી વરઘોડિયાંની લાઇફ કેવી રહે છે એની મોટાભાગના મહેમાનો ચિંતા કરતા નથી એમ રાજ્યસભામાં ચૂંટાયેલા ઉમેદવારો પછી રાજ્યસભામાં શું બોલે છે અને શું નહીં તેની પણ ક્યાં કોઇ ધારાસભ્ય ચિંતા કરે છે. આમ સમગ્ર રીતે મેરેજ અને રાજ્યસભા ચૂંટણી વચ્ચે અનેક સમાનતાઓ જોતાં રિસોર્ટમાં જ રાજ્યસભા ચૂંટણી યોજી દેવાનું જરાય મુશ્કેલ નહીં બને. વધુમાં, રાજ્યસભા ચૂંટણી આવી એટલે ધારાસભ્યોને રિસોર્ટની કેદમાં પૂરવામાં આવ્યા એ પ્રકારના આક્ષેપાત્મક અહેવાલો પણ બંધ થઇ જશે કારણ કે રિસોર્ટ જ મતદાન મથક હોવાથી ધારાસભ્યોએ લોકશાહીની પવિત્ર ફરજના ભાગરૂપે જ રિસોર્ટવાસ કરવાનો સંયોગ બનશે. આ રીતે ધારાસભ્યોની, રાજ્યસભા ચૂંટણીની અને રિસોર્ટનિવાસ એમ સૌની છાપ પણ એકંદરે ઉજ‌ળી બનશે.
આટલું લખતાં લખતાં તો ધારાસભ્યને ભારે જોશ ચઢી ગયું. પરંતુ હજુ તો ટોઇલેટ પેપર રોલમાં ઘણી જગ્યા હતી. તો ધારાસભ્યશ્રીનું મગજ તો એટલા બધા વિચારોથી ઊભરાતું હતું કે મગજ ‘લો સ્પેસ’ની વોર્નિંગ ફટકારતું હતું. ધારાસભ્યશ્રીને લાગ્યું કે જો પોતે તત્કાળ મગજ ખાલી નહીં કરી નાખે તો આ રિસોર્ટમાં સુખેથી રહેવાશે નહીં કારણ કે મોવડીઓની સૂચના અનુસાર રિસોર્ટમાં સુખેથી રહેવા માટે દરેક ધારાસભ્યનું મગજ ખાલી હોય તે જરૂરી હતું. મોવડીઓના મતે આ એક પ્રકારનો રિસોર્ટયોગ હતો અને જેમ દરેક પ્રકારના યોગમાં પહેલાં પેટ ખાલી કરી દેવાનું હોય છે તેમ આ રિસોર્ટયોગમાં પહેલાં મગજ ખાલી કરી દેવાનું હતું.
છેવટે ધારાસભ્યએ ફરી ટોઇલેટ પેપર રોલ પર પોતાનું મગજ ઠાલવવા માંડ્યું. આજે તેમને વિચારનું જંતુ કરડી ગયું હતું તેમ અચાનક પરોપકારનું જંતુ પણ કરડી ગયું હોય તેમ તેમનું મગજ પોકારી ઉઠ્યું કે આ તો બધી ધારાસભ્યોના ફાયદાની જ વાત થઇ. પરંતુ, રાજ્યસભા સિવાય પણ ચૂંટણીઓ હોય છે. તેમાં પણ ચોક્કસ મતદારોને ચોક્કસ સ્થળે વિહાર કરવા જવા લઇ જવા પડતા હોય છે. તેમનું શું ? તેમણે લખવા માંડ્યું કે માત્ર રાજ્યસભાની ચૂંટણી ટાણે જ ધારાસભ્યોને રિસોર્ટવાસની જરૂર પડતી હોય છે તેવું નથી પરંતુ નગરપાલિકાઓમાં કટોકટ બેઠકો હોય ત્યારે બોર્ડ બનાવવા માટે પણ કાઉન્સિલરોને ક્યાંક લાવવા લઇ જવા પડતા હોય છે, બજાર સમિતિની ચૂંટણીઓ ટાણે પણ લાગતાવળગતા લોકોને સારી જગ્યાએ લઇ જવા પડે છે, યુનિવર્સિટીની સિન્ડિકેટોથી માંડીને ક્લબો અને જ્ઞાતિ મંડળોથી માંડીને સોસાયટીઓની ચૂંટણીઓ સુધી ઠેર ઠેર ભવ્ય લોકશાહી પ્રક્રિયાઓનું જતન કરવા માટે દેશમાં રિસોર્ટ કલ્ચર પૂરેપૂરું ખીલે એ સર્વથા જરૂરી છે. આખરે સારાં અને સુંદર રિસોર્ટ વિના આ ચૂંટણી પ્રક્રિયાઓ મુક્ત અને ન્યાયી રીતે યોજવી કેવી રીતે શક્ય બનશે? ચૂંટણી એ પ્રજા માટે ઉત્સવ છે પરંતુ આવી બધી ચૂંટણીો જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ પરોક્ષ રીતે ભાગ લેતા હોય તેમના માટે પણ તે ઉત્સવ સમાન બનવી જોઇએ. આ માટે ચૂંટણી ઢંઢેરામાં વચન અપાવું જોઇએ કે દેશની નાની મોટી કેટલીય ચૂંટણીઓ સુખરૂપ રીતે પાર પડે તે માટે દેશમાં સારાં સારાં રિસોર્ટસ હોય એ જરૂરી છે, દેશનાં ભાવિનો આધાર જ હવે રિસોર્ટનિવાસ પર છે, દેશની કેટલીય સંસ્થાઓનું ભાવિ રિસોર્ટસમાં જ ઘડાય તેમ છે આ સંજોગોમાં તાલુકે તાલુકે અને મોટાં શહેરોમાં તો વોર્ડવાર રિસોર્ટસની વ્યવસ્થા થાય એ બહુ જરૂરી છે. હાલ જાહેર જનતા પોતાના વિસ્તારમાં સ્વિમિંગ પુલ, કોમ્યુનિટી હોલ કે બમ્પરની માગણી સાથે રજૂઆતો કરે છે. પરંતુ જાહેર જનતાને પણ ખ્યાલ આવવો જોઇએ કે વાસ્તવમાં તંદુરસ્ત લોકશાહી પ્રણાલિઓ જાળવવી હોય અને હંમેશાં યોગ્ય ઉમેદવારો જ યોગ્ય સ્થાને ચૂંટાઇ આવે તે સુનિશ્ચિત કરવું હોય તો આ બધી ચીલાચાલુ માગણીઓ પડતી મૂકી ઠેર ઠેર રિસોર્ટસની માગણી કરવી પડશે. આ રીતે ઊભાં થનારાં રિસોર્ટસમાં પહેલાં જનતા પોતાના ખર્ચે મ્હાલશે અને પછી નાની મોટી ચૂંટણીઓ ટાણે આડકરતી રીતે જનતાના પૈસે જ ધારાસભ્યો, કાઉન્સિલરો, કારોબારી સભ્યો કે અન્ય હોદ્દેદારો મ્હાલશે. છેવટે જનતાને સત્ય સમજાશે કે દેશના, રાજ્યના, મ્યુનિસિપાલિટીના, પંચાયતના, સોસાયટીના કે જ્ઞાતિના સુચારૂ વહીવટ માટે અત્રતત્રસર્વત્ર સારાં રિસોર્ટસ જ જરૂરી છે બીજાં કોઇ ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર નથી. દેશ સારો ચાલતો હશે તો જનતા પણ રિસોર્ટમાં જઇને મોજ કરશે અને જો દેશ બરાબર નહીં ચાલે તો જનતા એ દુ:ખ ભૂલવા માટે પણ રિસોર્ટમાં જઇને મોજ કરશે. આમ રિસોર્ટ...
..ત્યાં તો તેમની આ વિચારયાત્રા અટકી. રિસોર્ટના કેમેરામાં ક્યાંક પકડાઇ ગયું હતું કે એક ધારાસભ્ય ભારે વિચારમગ્ન મુદ્રામાં ક્યારનાય ક્યાંક કશું લખી રહ્યા છે. મોવડીઓના મેનેજર્સને ધ્રાસ્કો પડ્યો. તેમણે તરત જ આ ધારાસભ્યને પકડી પાડ્યા.
‘‘શું ચાલી રહ્યું છે આ બધું ? રાજીનામું લખી રહ્યા છો ? કે અંતરાત્માનો અવાજ ? લાવો બતાવો...’’
ધારાસભ્યના મગજમાં છેલ્લો વિચાર સ્ટ્રોક આવ્યો. તેમણે પેલો ટોઇલેટ પેપરનો આખો રોલ જ ટોઇલેટમાં વહાવી દીધો. મોવડીઓના મેનેજર્સ સામે જોઇને ખંધુ હસતાં હસતાં કહે, કાંઇ નહીં એ તો હું અમારા મતલબ કે આપણા જૂના ચૂંટણી ઢંઢેરાના પોઇન્ટ યાદ કરી કરીને આ ટોઇલેટ પેપર પર લખતો હતો. રિસોર્ટમાં પહોંચીને મને ખ્યાલ આવ્યો કે ચૂંટણી ઢંઢેરા તો ટોઇલેટ પેપર બરાબર જ, પછી આમ રિસોર્ટમાં ફ્લશ કરી દેવાના..સાચી વાત ને ? ’’ ટોઇલેટ પેપર એ જ ચૂંટણી ઢંઢેરો, ચૂંટણી ઢંઢેરો એટલે ટોઇલેટ પેપર. મેં કાંઇ ખોટું કીધું? હું બસ આમ જ વિચાર નામની ગંદકી ટોઇલેટ પેપર પર લખીને વહાવતો હતો. શું છે કે વિચારની ગંદકી મગજમાં ભરાઇ રહે તો પ્રોબ્લેમ થાય ને. ’’
આ ધારાસભ્યનો વિચારોત્તેજક વાયરસ અન્ય ધારાસભ્યોમાં પણ ના ફેલાય તે માટે તેમને રિસોર્ટવાસ પુરતા ટોઇલેટમાં જ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
--

Saturday, March 14, 2020

બુકાનીધારી કવિઓનું કોરોના સ્પેશ્યલ કવિ સંમેલન !

 સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર મેચ રમાડવાનો આઇડિયા ખાલી ઓડિયન્સ પણ ભરચક સ્ટેજવાળાં કવિ સંમેલનો પરથી આવ્યો છે!



એક કવિએ ક્રિકેટ સત્તાવાળાઓને ફોન કરીને કહ્યું,
‘‘અમને ક્યાંક તો ક્રેડિટ આપો.’’
ક્રિકેટવાળા ચોંકયા, ‘‘ભાઇ, ઇતિહાસમાં સાંભળ્યું છે કે રાજા-મહારાજાઓ યુદ્ધમાં એમની સાથે દરબારી કવિઓને લઇ જતા હતા. આ કવિઓ એવાં અસરકારક શૌર્યગીતો ગાતા કે તે સાંભળી રાજા તથા અન્ય યોદ્ધાઓને જોમ ચડતું હતું. પણ ક્રિકેટના ઇતિહાસમાં કોઇ કવિએ સ્ટેડિયમમાં ઊભા રહીને બેટિંગ બિરદાવલી ગાઇ હોય અને તે સાંભળીને કોઇ બેટ્સમેને સદી તો ઠીક પણ સિક્સ પણ ફટકારી હોય તેવું ક્યાંય બન્યું નથી. તો તમારે શેની ક્રેડિટ જોઇએ છીએ.’’
‘‘આ તો તમે ખાલી સ્ટેડિયમમાં પીચ પર માત્ર પ્લેયર રમ્યા કરે ને થોડો ઘણો સ્ટાફ એકાદ ખૂણે બેઠો હોય એવી મેચ રમાડો છો એની.’’
‘‘હેં ? ભાઇ, અમે સ્ટેડિયમ તો કોરોના વાયરસના ડરના કારણે સરકારની સૂચના હતી એટલે ખાલી રખાવ્યું. સ્ટેડિયમ ખાલી હતું એમાં તમારી કોઇ ભૂમિકા નથી. અમેય સાંભળ્યું છે કે કવિ આસપાસમાં હોય ત્યારે ભલભલી ભરચક જગ્યાઓ ખાલી થઇ જાય છે. પણ અમે ક્યાં સ્ટેડિયમ ખાલી કરાવવાનો કોન્ટ્રાક્ટ તમને આપ્યો હતો? ’’
‘‘અરે ક્રિકેટ સંચાલકશ્રી, તમે જરા અમારી લાગણી સમજો. આખું સ્ટેડિયમ ખાલી હોય અને રમનારા જ વચ્ચોવચ્ચ રમ્યા કરે ને માત્ર કેટલાક વ્યવસ્થા સાચવનારા એકાદ ખૂણે આમતેમ બેઠા હોય એ આઇડિયા મૂળ કવિ સંમેલનોનો છે. અમારે ત્યાં મોટાભાગનાં કવિ સંમેલનોમાં આવું જ હોય છે. સ્ટેજ આખું કવિઓથી ફાટફાટ થતું હોય પણ સામે ખુરશીઓ ખાલી હોય. માઇક ને ગાદલાંવાળા આમતેમ ક્યાંક બેઠા હોય. ભલા માણસ, આખે આખો કવિ સંમેલનનો આઇડિયા ઉઠાવી મેચો રમાડવા માંડ્યા છો તો કવિઓને ક્યાંક તો ક્રેડિટ આપો.’’
‘‘જુઓ હવે કોઇ મેચ હમણા આમેય રમાવાની નથી. તમે લોકો સ્ટેડિયમમાં કવિ સંમેલન કરી નાખો. અમારાં માઇક ને બીજી બધી વ્યવસ્થાઓ તમને વાપરવા આપી દેશું.’’
કવિ પ્રસન્નતાથી કહે, ‘‘અમે તો 365 દિવસ કવિ સંમેલનના મૂડમાં જ હોઇએ છીએ. બસ, જગ્યા મળવી જોઇએ. ’’
કવિએ બધે જ મેસેજ વાયરલ કરી દીધો. ‘‘જગ્યા મળી ગઇ છે, નાનો સૂનો હોલ નહીં પણ આખું સ્ટેડિયમ મળી ગયું છે. આવી જાઓ, પીચ પર કવિતાઓની ફટકાબાજી કરવા.’’
કવિઓનું ધાડું સ્ટેડિયમ પર પહોંચી ગયું.
એક વયોવૃદ્ધ કવિ ઉત્સાહથી કહે, ‘‘આ બહુ જોરદાર કામ થઇ ગયું. આખેઆખાં ખાલી સ્ટેડિયમમાં કવિતાઓ રજૂ કરવાની પ્રેક્ટિસ થઇ જશે તો પછી નાના મોટા ખાલી હોલમાં તો જરાય સૂનું સૂનું નહીં લાગે.’’
એક યુવા કવિએ કકળાટ કર્યો, ‘‘તમારી ઉંમર તો જુઓ, હજુ તમારે કેટલી નેટ પ્રેક્ટિસ કર્યા કરવી છે. એકાદ દિવસ તો અસલ કવિતાની મેચ રમી જ નાખો.’’
બીજા વયોવૃદ્ધ કવિએ તરત પ્રતિકાર કર્યો. ‘‘કેમ? સાહિત્યમાં નેટ પ્રેક્ટિસ કઇ ઉંમર સુધી કરવાની એનો કોઇ કાયદો છે ખરો? તમારા જેવાનું ચાલે તો કઇ ઉંમર સુધી કવિને નવોદિત કવિ ગણવા એની પણ વયમર્યાદા લાવી દો.’’
એક કવિયત્રી જરા રીસ સાથે કહે, ‘‘ઉંમર ને વચ્ચે લાવવામાં આવશે તો અમે નારીવાદી કવિયત્રીઓ કવિ સંમેલનનો વિરોધ કરશું અને તમારાં કવિ સંમેલનની સમાંતર અમારું નારી કવિ સંમેલન યોજશું.’’
ત્રીજા એક યુવા કવિ કહે, ‘‘સમાંતર રહેવા દો. વારાફરતી રાખો. તમારાં કવિ સંમેલનમાં અમે પ્રેક્ષકો બનશું ને અમારાં કવિ સંમેલનમાં તમે પ્રેક્ષકો બનજો.’’
ચોથા એક કવિ કહે, ‘‘ના. ના. સમાંતર કવિ સંમેલનો નહીં. તેના કારણે આપણા કવિઓની દુનિયામાં વિભાજન છે એવો સંદેશો જશે. અત્યારે કોરોના વાયરસના ડર સામે આખું વિશ્વ એક થઇ રહ્યું છે ત્યારે આપણાં કવિઓમાં ભાગલા પડે એ બરાબર નહીં. ’’
પાંચમા કવિએ તાળી આપી. ‘‘જોરદાર આઇડિયા. કવિ એકતાનો આઇડિયા પણ જોરદાર અને કવિ સંમેલનની થીમનો આઇડિયા પણ જોરદાર. કોરોનાના ડરને કારણે જ ખાલી સ્ટેડિયમમાં મેચ રમાઇ છે. તેને પગલે જ આપણને આખું સ્ટેડિયમ કવિ સંમેલન માટે મળી રહ્યું છે. તો આપણે સૌ ખાસ કોરોના સ્પેશ્યલ કવિતાઓ જ આ સંમેલનમાં રજૂ કરીશું.’’
એક કવિએ તો ત્યાંને ત્યાં લલકારવા માંડ્યું, ‘‘હે વાયરસ, વ્હાય યુ આર ટેકિંગ સો મચ રસ?’’
બીજા કવિ બગડ્યા. ‘‘યાર, આ શું ગુજરાતી-અંગ્રેજીની ભેળસેળ માંડી છે? આ રીતે આપણે ભાષાને કેવી રીતે ટકાવી શકીશું? ’’
ત્રીજા કવિ કહે, ‘‘ભલા માણસ, અત્યારે પહેલાં તો કોરોના સામે માણસને ટકાવી રાખવાની જરૂર છે. એકવાર માણસ ટકી ગયો તો પછી ભાષાનું તો પછી જોઇ લેવાશે. તમે યાર સમજો, આજકાલ કોરોના વાયરસ દુનિયાભરમાં વાયરલ છે. કોરોનાની આપણી કવિતાઓ પણ દુનિયાભરમાં વાયરલ થઇ જશે. ગુજરાતીવાળા ગુજરાતી સમજી લેશે. અંગ્રેજીવાળા અંગ્રેજી સમજી લેશે. ભાવનાની તો ક્યાં કોઇ ભાષા હોય છે. ભાષાને ભાવનામાં બંધાય નહીં. ભાષા તો ભાવનાને વહેતી કરવા છે. કોરોનાને પગલે જો આખું વિશ્વ નમસ્તે કહેતું થયું હોય તો આપણે વિશ્વની તમામ ભાષાઓમાં કવિતા કેમ ના કરીએ? કવિતા થકી કોરોના સામે લડતનું એક નવું પરિમાણ આપણે કેમ ના ઉમેરીએ.’’
‘‘ઓ ગદ્ય કવિ, લલિત નિબંધ ફટકારવાનો રહેવા દો. આ કવિ સંમેલન પત્યા પછી જો હજુ થોડા દિવસ સ્ટેડિયમ મળતું હશે તો તમારા લલિત નિબંધનું જાહેર વાંચન પણ રાખશું. ખાલી સ્ટેડિયમમાં તમારો નિબંધ જોરદાર પડઘાશે.’’
‘‘તો આપણે આ કવિ સંમેલનનું ટાઇટલ કોરોના વિશ્વભાષા સંમેલન જ રાખીએ.’’ બીજાં એક કવયિત્રીએ ઉત્સાહભેર જાહેર કર્યું.
‘‘થવા દો. આમેય મારા હસ્તાક્ષરમાં કવિતાઓ જોઇને કેટલાય લોકો એમ કહે છે કે તમે ચાઇનીઝ લિપિમાં કવિતા લખો છો?’’ એક વૃદ્ધ કવિએ ખોંખારો ખાધો.
એક યુવા કવિ કહે, ‘‘જો કોરોના વિશ્વભાષા કવિ સંમેલન જ રાખવું હોય તો પછી આ કવિ સંમેલનનો ડ્રેસ કોડ પણ ગ્લોબલ થીમ પર જ હોવો જોઇએ. બધા રંગીન ઝભ્ભા પહેરીને આવી જાય એ નહીં ચાલે.’’
એક કવયિત્રી કહે, ‘‘આમ તો કોરોનાની થીમ ઉદાસી, બીમારી અને મૃત્યુ સૂચવે છે. એટલે આપણે સફેદ અથવા તો બ્લેક કલર ડ્રેસ કોડમાં નક્કી કરીએ.’’
બીજા એક વયોવૃદ્ધ કવિ કહે, ‘‘ક્લિયર કરો. બ્લેક કે વ્હાઇટ ? એ પ્રમાણે મારે એ દિવસે ડાઇ કરાવીને આવવું કે નહીં તેની ખબર પડે.’’
બીજાં એક કવયિત્રી કહે, ‘‘મારું તો સજેશન છે કે ડ્રેસ કોડ તરીકે માસ્ક જ રાખીએ. વિશ્વભરમાં કોરોના સામે લડવા માટે લોકો માસ્ક પહેરી રહ્યા છે. આપણે પણ માસ્ક પહેરીને કવિતાઓ રજૂ કરીએ.’’
પણ એક યુવા કવિએ તરત જ વાંધો ઉઠાવ્યો.‘‘આમેય લોકોની ફરિયાદ છે કે કવિઓના ચહેરા હંમેશાં માંદલા જ કેમ હોય છે? આપણે બધા માસ્ક પહેરીને કવિતાઓ વાંચશું તો વધારે માંદલા લાગશું.’’
ફરી પેલા વયોવૃદ્ધ કવિ મેદાનમાં આવ્યા. ‘‘મારો વિચાર એવો છે કે આપણે આપણી કવિતાઓમાં અસ્સલના કવિઓ જેવું જોમ લાવવા માટે માસ્કને બદલે બુકાની બાંધીને કવિતાઓ રજૂ કરીએ તો કેમ? તમે વિચારો કે આપણે સૌ બુકાનીઓ બાંધીને સ્ટેજ પર હાજર થઇને કોરોના સામે કવિતાઓ વાંચશું તો કોરોના વાયરસ આ દુનિયામાંથી શું પણ આ બ્રહ્માંડની પણ પેલે પાર જતો રહેશે.’’
આ વાત પર તો કવિઓએ તાળીઓ પાડી. તાળીઓનો અવાજ સાંભળીને એકાદ-બે નવોદિત કવિઓથી તો ટેવવશ બોલાઇ પણ ગયું, ‘‘વન્સ મોર..વન્સ મોર..’’
આ વયોવૃદ્ધ કવિને મળેલું આટલું માન બીજા વયોવૃદ્ધ કવિથી ના સહેવાયું. તેમણે હળવેથી મમરો મૂક્યો. ‘‘પણ આ બુકાનીઓ બાંધીને આવશું તો પછી ડાકુઓ જેવું નહીં લાગે ને.’’
ત્રીજા લલિત નિબંધ સ્પેશ્યલ કવિએ તરત પ્રતિકાર કર્યો, ‘‘પેલા માસ્કમાં ડાઘુઓ જેવું લાગે એના કરતાં બુકાનીબંધ ડાકુઓ જેવું લાગે તો શું ખોટું? આમેય અસ્સલના વખતમાં ડાકુનું નામ પડેને લોકો થરથર કાંપતા હતા હવે કવિનું નામ પડેને લોકો થરથર કાંપે છે. પહેલાંના જમાનામાં ડાકુના નામની ધાક હતી. હવે આપણે કવિતાઓ લલકારીએ છીએ ને લોકોના કાનમાં ધાક પડી જાય છે. પહેલાં ડાકુઓની પણ ટોળી હતી. હવે આપણી પણ ટોળીઓ સાહિત્યિક કાર્યક્રમો, ફેસબૂકના ગ્રૂપો, સરકારી મહોત્સવો, બૂક ફેસ્ટિવલો એમ બધે પહોંચી જાય છે અને જનમાનસની નિરસતા પર ધાડ પાડે છે. ડાકુઓ બંદૂકોમાંથી ગોળીઓ છોડતા હતા આપણે શબ્દોનો મારો ચલાવીએ છીએ. મોટાભાગના ડાકુઓ માત્ર સન્માન ખાતર લડતા હતા, આપણે પણ એવોર્ડોનાં સન્માન ખાતર કવિતાઓ કરીએ છીએ.... ’’
‘‘હે ડાકુ સમ્રાટ, ઓ સોરી, લલિત નિબંધ સમ્રાટ, તમે અત્યારે અમારી માનસિક શાંતિ પર તમારા લલિત નિબંધનો મારો ચલાવવાનો રહેવા દો. એ તો તપાસ કરો કે આ કોરોના વિશ્વભાષા સંમેલનમાં કવિતાઓ રજૂ કરવા બદલ શું પુરસ્કાર મળવાનો છે ? ’’ એક યુવા કવિએ બહુ વાજબી મુદ્દો ઉઠાવ્યો.
પેલા કવિએ ફરી ક્રિકેટ સંચાલકશ્રીનો સંપર્ક કર્યો, ‘‘તમે અમને કવિ સંમેલન માટે સ્ટેડિયમ તો આપવા તૈયાર થયા છો પણ હવે એમાં વધારે એક ઉમેરો કરી આપો. તમારાં ક્રિકેટમાં તો ચોગ્ગાછગ્ગા ફટકારનારાને જાતભાતના પુરસ્કારોની નવાજેશ થાય છે. અમારાં કવિ સંમેલનોમાં પણ સંમેલનને અંતે અને મોટાભાગે તો સંમેલનને પૂરું થયેલું જાહેર કરવાના એક ઉપાય તરીકે કવિઓને પુરસ્કારો આપવામાં આવે છે. તો આ સ્ટેડિયમમાં યોજાનારાં કોરોના વિશ્વભાષા સંમેલનમાં પણ પુરસ્કારની કોઇ જોગવાઇ થઇ શકે ખરી?’’
ક્રિકેટ સંચાલક કહે, ‘‘ડેફિનેટલી, અમારી મેચ ખાલી સ્ટેડિયમમાં જ થવાની છે તેના કારણે એક ચાઇનીઝ મોબાઇલ કંપની અમારી સ્પોન્સર હતી એ ખસી ગઇ છે. પરંતુ, એ કંપનીવાળા ચાઇનાની જથ્થાબંધ ટિકિટો આપતા ગયા છે. તમે કહો તો પુરસ્કાર તરીકે સૌને આપી દઇએ. એક એક કવિ જ નહીં પરંતુ કવિના સમગ્ર પરિવાર અને મિત્ર મંડળને પહોંચી રહે એેટલી ટિકિટ્સ પડી છે. ’’
...ને પછી કોરોના સામે અગમચેતી રૂપે થિયેટરો, સ્કૂલો, સમારંભો મોકૂફ રહેવાની યાદીમાં કોરોના વિશ્વ ભાષા કવિ સંમેલનનું નામ પણ ઉમેરાઇ ગયું.

Thursday, March 12, 2020

ઊડતી કાર બનાવનારી કંપનીએ હિન્દી ફિલ્મો જોઇ છે કે નહીં ?

ગુજરાતમાં પોલીસ ‘ગુટખા કે મસાલા ખાઇ ઊડતી કાર ચલાવવી નહીં’ એવું લખેલા પતંગ કે ગુબ્બારા છોડશે

https://epaper.navgujaratsamay.com/2589967/Ahmedabad/12-March-2020#page/6/2

ક કંપની ગુજરાતમાં ઊડતી કાર બનાવવા માટે આવવાની છે. આ દર્શાવે છે કે ગુજરાતની કશું પણ ઊડાડી શકવાની કે એવું કશું બનાવી શકવાની ક્ષમતા દેશવિદેશમાં જાણીતી છે. આપણે ત્યાં કેટલાક બાઇક ચાલકો જે રીતે રસ્તા પર ઓવરટેક કરતા હોય છે એ જોઇને એમ જ લાગે છે કે આ ભાઇ ખરેખર તો હેલિકોપ્ટર ચલાવવાની નોકરી કરતા હશે અને લોકો કસરત માટે સાઇકલ ચલાવે એમ ક્યારેક ક્યારેક બાઇક પણ ચલાવી લેતા હશે.
ગુજરાતમાં એમ તો ઊડતાં વાહનોનાં કરતબ અવારનવાર જોવા મળે જ છે. પરંતુ, આ કરતબમાં અત્યાર સુધી 50 ટકા ફાળો ઊડેલું વાહન ચલાવનારનો અને 50 ટકા તેને ઊડાડનાર વાહનનો હોય છે. કેટલાય લોકો રીક્ષા પણ માંડ માંડ જઇ શકે ત્યાં ત્યાં એવી રીતે ગાડી ચલાવતા હોય છે કે ઊડતી કાર લેવાનું ના પોસાય એ લોકોને પણ ઊડવાની તક આ રીતે માગ્યા વગર આપી દેવામાં આવે છે.
એમ તો ગુજરાતમાં રાસ ગરબા ટાણે પણ કેટલાક લોકો ઊડવાની એવી એવી ટેકનિક બતાવે છે કે આપણને લાગે છે કે આ લોકો બારે મહિના આમ જ રસ્તા પર ઊડતા ઊડતા જાય તો એમને કોઇ વાહનની જરૂર જ ના પડે.
જોકે, પેલી ઊડતી કાર બનાવનારી કંપની ગુજરાતમાં આવી કાર બનાવીને બારોબાર નિકાસ જ કરી દેવાની છે. એ નિકાસ પણ હવાઇ માર્ગે થવાની છે, સમુદ્રી માર્ગે થવાની છે કે પછી બધી કારો ઊડતી ઊડતી જ અમેરિકાનાં બજારોમાં પહોંચી જવાની છે એની કોઇ ચોખવટ હજુ સુધી થઇ નથી. જો ખરેખર ઊડતી કાર કારખાનમાંથી ઊડતી ઊડતી જ અમેરિકા મોકલી દેવાશે તો ગુજરાતના થોડા વિસ્તારોમાં તો એ ઊડતી દેખાશે જ. એ પરથી ગુજરાતીઓ આવી ઊડતી કારના બીજા અનેક ઉપયોગો શોધી શકે તેમ છે.
દાખલા તરીકે ઉતરાયણના તહેવારમાં આવી ઊડતી કાર પણ આકાશમાં ફરતી જ રાખવાની. અત્યારે અમદાવાદમાં ઉત્તરાયણ વખતે પોળ વિસ્તારોનાં ધાબાં ભાડે લેવાનો ક્રેઝ ચાલે છે એમ ભવિષ્યમાં ઉત્તરાયણમાં ઊડતી કારમાંથી પતંગ ચગાવવાનો ક્રેઝ આવશે. ગુજરાતીઓ આમેય ક્યાંય અડધા દિવસની પિકનિક માટે જાય તો પણ અડધા મહિના સુધી ચાલે એટલા નાસ્તા અને બીજો સામાન કારમાં ઠાંસી ઠાંસીને ભરીને નીકળે છે. તો ઉત્તરાયણના દિવસે પણ કારમાં ઉંધિયું, બોર, ચીકી, શેરડી વગેરે ઠાંસી ઠાંસીને લઇ જઇ શકાશે, કારની મ્યુઝિક સિસ્ટમમાં જ ‘ચારસો-ચારસો મીટર ઊડતી ગાડી તને લઇ દઉં’ ટાઇપના ગીતો વગાડી શકાશે. અત્યારે રસ્તે જતી કારમાંથી તમાકુ ચાવીને મસ્ત પીચકારી મારી દેતા વીર ગુજરાતીઓ ઊડતી કારમાંથી શેરડીનાં છોતરાં કે બોરના ઠળિયા ફેંકી દેવામાં જરા પણ સંકોચ નહીં અનુભવે એ તો સ્પષ્ટ વાત છે.
ઉત્તરાયણના દિવસ પુરતાં આકાશમાં ઊડતી કારોમાંથી એમ શેરડીનાં છોતરાં ફેંકાય એ એકાદ દિવસ પુરતું ચાલી જશે પરંતુ માની લ્યો કે ગુજરાતમાં આવી ઊડતી કારો કાયમ માટે ચલાવવાની મંજૂરી મળી ગઇ તો પછી ચાલુ કારે પીચકારીઓ મારનારા બાબતે કેટલાક પ્રશ્નો ચોક્કસ ઊભા થશે. શક્ય છે કે અત્યારે જેમ ‘દારૂ પીને ડ્રાઇવિંગ કરવું નહીં’ એ પ્રકારની સૂચનાઓ ઠેર ઠેર મૂકવામાં આવે છે તેમ ભવિષ્યમાં કદાચ ‘માવા ખાઇને ઊડતી કારમાં બેસવું નહીં ’ એ પ્રકારની સૂચનાઓ લખેલા ગુબ્બારા કે પતંગ સરકાર આકાશમાં જ છોડી દેશે.
આમ તો આપણા દેશમાં પબ્લિક પાસે ઘણી વખત જે ટેક્નોલોજીની ગાડીઓ હોય છે તેવી ગાડીઓ પોલીસને બહુ લાંબા સમય પછી મળે છે. પરંતુ શક્ય છે કે એકાદ ઊડતી કાર ટ્રાફિક પોલીસ પણ રાખી લેશે અને પછી ભર આકાશે કદાચ કોણે ગુટખા કે મસાલો ખાધો છે અને કોણે નહીં તેનું ચેકિંગ કરવા માટે પહોંચશે.
અત્યારે ક્યાંક ટ્રાફિક પોલીસવાળા ઊભા છે એવું જાણીને ત્રણ સવારીવાળા કે હેલમેટ ના પહેરી હોય તેવા ટુ વ્હીલરચાલકો રસ્તો બદલી નાખે છે કે પાછા ફરી જાય છે એવું આકાશમાં પણ ઊડતી કારવાળા ટ્રાફિક પોલીસની ઊડતી કાર જોયા પછી કરી શકશે કારણ કે આપણે ત્યાં પબ્લિક મર્યાદામાં રહીને વાહનો ચલાવે કે ના ચલાવે પણ પોલીસ તો હદમાં રહીને જ કામગીરી કરતી હોય છે. ઊડતી કાર જે પોલીસ સ્ટેશન વિસ્તારની હદના આકાશમાંથી પસાર થતી હોય તેને એ પોલીસ સ્ટેશનની હદ જ લાગશે એટલે ઊડતી કારવાળા જરા આઘાપાછા થઇ જશે તો બે-ચાર પોલીસ સ્ટેશનની હદ તો એમને એમ વટાવી જશે.
અમદાવાદમાં આવા હદના ઝઘડામાં જ પોલીસે રિવર ફ્રન્ટનું અલાયદું પોલીસ સ્ટેશન ચાલુ કર્યું છે. એ રીતે ભવિષ્યમાં ટ્રાફિક પોલીસ કદાચ ‘હવાઇ સ્કવોડ’ બનાવશે. તો કલ્પના કરો કે જેમ અત્યારે અમુક પોલીસ સ્ટેશનમાં કે અમુક પોઇન્ટ પર બદલી લેવા માટે પડાપડી થતી હોય છે તેમ આવી હવાઇ સ્કવોડમાં પોસ્ટિંગ માટે પણ કેવી પડાપડી મતલબ કે ઉછળકૂદ થશે.
 ભવિષ્યમાં કદાચ ઊડતી કારોની સંખ્યા વધે તો આકાશમાં આપણા રસ્તાઓની સમાંતર જ હવાઇ પટ્ટા પડશે અને તેમાં જ બધાએ કાર ચલાવવાની રહેશે એવો નિયમ પણ આવશે અને તો ત્યાં પણ કદાચ ચાર રસ્તે આકાશી ચોકડી પર ઊભા રહેવાની અને એવા ચાર રસ્તે હવાઇ ટ્રાફિક કોન્સ્ટેબલને ટ્રાફિક મેનેજ કરવા માટે ગોઠવવાની નોબત આવશે. જોકે, આપણે ત્યાં અત્યારે પોલીસવાળા ભાઇઓ કયારેક બે મિનિટ ચેન્જ માટે ચાર રસ્તા નજીકના પાનના ગલ્લે કે પછી એક બાજુ ખૂણામાં ઊભા રહી જાય છે તેવું ઉપર આકાશી ચોકડી પર શક્ય નહીં બને. આ કારણોસર કદાચ ઊપરની આકાશી ચોકડીઓમાં ટ્રાફિક હવાલદાર તરીકેનું પોસ્ટિંગ કદાચ ‘પનીશમેન્ટ પોસ્ટિંગ’માં ગણાઇ જાય તો પણ નવાઇ નહીં.
અત્યારે જોકે ધ્યાન એ જ વાતનું રાખવાનું છે કે આ ઊડતી કાર બનાવનારી કંપનીવાળા ગુજરાતમાં ફેક્ટરી નિમિત્તે અહીં અવરજવર કરે ત્યારે ભૂલથી પણ કોઇ હિન્દી ફિલ્મ ના જોઇ લે. કારણ કે આપણી હિન્દી ફિલ્મોમાં તો કાર ઊડતી હોય અને કેટલાય ફૂટ ઊંચેથી પાછી નીચે રસ્તા પર પટકાયા પછી પણ નોર્મલ ચાલતી હોય ને ચાલુ વિમાનમાંથી પેરાશુટ બાંધેલી કાર નીચે ઉતરે ને પછી સડસડાટ હાઇવે પર ચાલવા માડે એવા બધા સીન તો વર્ષોથી કોમન થઇ ગયા છે. એમાં પણ સાઉથની અમુક ફિલ્મો જોઇ લીધી તો પછી શક્ય છે કે આ કંપનીવાળા ઊડતી કાર બનાવવાનું જ માંડી વાળે કારણ કે તેમને પછી પોતાની કોઇપણ ટેક્નોલોજી બાબા આદમના જમાનાની જ લાગવાની છે.
એના કરતાં તો આપણા ફિલ્મ ઉદ્યોગ અને આ કાર કંપની વચ્ચે કોલબરેશન કરાવી દો. પછી આપણા ફિલ્મ નિર્માતાઓ હસતાં હસતાં કહેશે ‘‘ઊડતી કાર એ બીજું કાંઇ નથી પરંતુ અમે પડદા પર દર્શાવેલી ટેક્નોલોજીની રિ મેક જ છે.’’

Saturday, March 7, 2020

Corona or no corona, Mask would be a fashion and a social need !

ladies will shop for matching masks, Schools will have uniform masks, Political masks for leaders, Occasion relevant masks for common people will be available




A parent received a call from the school.
“Your son didn’t wear a mask today. This kind of indiscipline like a sundry school will not be tolerated here.  The uniform is the status symbol. Don't you know that? You have to pay the fine five times higher than the actual price of the mask as prescribed by the school. Understand? ”
“No madam, Please check, I confirmed the mask when he boarded the bus. May be lost somewhere on the way. But, even in that case an extra mask in his school-beg also. We instructed him to wear the other one in case he lost the first. Please check!”
“What please? I never said that he didn’t wear a mask at all. I intended to say that it was not as per given instructions. You must be aware that as per school uniform policy, the purple-colored mask should have dark pink stripes in the background with a symbol of a yellow star on the top left corner of it.”
“Madam, please check again, it is the same as you have said”
“Oh, don’t argue, a mask purchased from any ordinary shop will not be considered. Ours is a high-status school. I will send you an address. Purchase a minimum of 3 masks from there. Get us a bill copy along with the student. Only that will be valid. If the student will come to the school tomorrow without that particular mask, we will hand over the one from the school itself. But, In that case, there would be an extra penalty.”
Coronavirus scare has made people join the queue to get a mask. We Indians are so much enthusiastic about standing in queues that we will rush to purchase masks only to enjoy queues. The pleasure of joining a queue along with friends, relatives, and neighbors is very much important. Mask will be just an excuse.  Having proof of joining a queue could be included as proof of citizenship here. It could end many debates.
Advertisers who prefer cheap auto-rickshaw advertisements over costly hoardings may turn to masks as a new platform. Then you will be surprised to see a sign of ‘420 Bidi’ on the mask of a familiar person and that will prompt you to ask,
“ Since when you did start this?”
A quick reply filtered with the mask will be heard. “Just 3 days before. Superb response.”
“What response? Your lungs will respond soon. Do you often miss that anti-tobacco advertisement in the movie? You should reach on time then. ”
“that's your misunderstanding, I didn’t start consuming Bidis. One Bidi trader has started to sell masks with printed advertisements. I will receive Rs 10 every day by sending a selfie with the mask on different locations. Enough for my daily tea bill. Would you like to join? ”.
“Shameful. Don’t you know about the harmful effects of Bidis? You are advertising a toxic for just a few bucks.”
“Why? So many big stars are doing Gutkha advertisements. First, ask them. I am a star in my own world. So I have started with Bidi”
You have no option but to move away from there thinking that those stars must be wearing some masks when they are preaching about health care or posing for photos of working out to be shared on social media.
This could be a moment of realization for you that Corona or no Corona, but masks are always necessary as we all have multiple roles to play in real life and sometimes we also have to act.
Netizens use various smileys and Emojis on Social Media. Can’t we continue that practice with masks also?
People use Emojis of a smile, a cry, loud laughter, and anger while chatting. We can have different Emoji masks for different occasions. A college principal could don a mask showing anger all the time, a boss in the office could wear a mask of a loving face, a heroine could have a blushing mask during her film promotions, then our leader will have real peace of mind as they could wear so many smiles during an appropriate occasion. Supporters always wear face-masks of their favorite leader but now common people could also buy some ‘political smile’ masks if needed. Then we will have all the smiley faces around us.
We need to attend obituary meetings often even without feeling sad but just to fulfill a social obligation. It is not easy to get sadness on the face immediately. So how about a sad expression mask?
Plain white cloths make us remind of some obituary meeting. So we have very limited boring colors for masks. Why? Can we have more colors on our faces in the form of masks? Why ladies could not get matching color masks according to their attire.
Then we could hear a dialogue in a Saree shop: “Look, I will not make any adjustment in terms of color or shade. I require exact matching. Otherwise, I will change my choice of saree accordingly."
The sales-man, of course, wearing his smiling mask, will say, “madam, believe me, this is the most suitable color, a real designer piece. I challenge you to find this color at any other place. I will return you a double amount for that. I am a man of words.”
Coronavirus will come and go. But it will create a huge market of masks for different occasions and various needs. Then a mask will not be a medical device only, it will be a ‘life-supporting system on its own. It will kill the virus of hypocrisy forever. What say?

મતદારોને નાસ્તો કરાવી નેતાઓ પોતાનું જમણ પાકું કરી લે છે

સામાન્ય મતદાર થોડા નાસ્તામાં ઓડકાર ખાઇ લે છે બીજી તરફ ઓડકાર આવી જવો એ નેતાની ગેરલાયકાત ગણાય છે વાદ નહીં, વિવાદ નહીં પણ માત્ર સ્વાદનો મહિમા ગ...