ડોન્ટ વરી, સાડી સાથે મેચિંગ માસ્ક, સ્કૂલોમાં યુનિફોર્મ માસ્ક, નેતાઓ માટે ખાસ પોલિટિકલ સ્માઇલ માસ્ક સહિત ઇમોજી માસ્ક પણ મળશે
એક વાલીને સ્કૂલમાંથી ફોન આવ્યો.
‘‘તમારા સનને આજે પ્રોપર માસ્ક વગર સ્કૂલમાં મોકલ્યો છે. આ રીતે ઇનડિસિપ્લિન રાખવી હતી તો કોઇ સસ્તી સ્કૂલમાં એડમિશન અપાવવું હતું. અમારી તો સેવન સ્ટાર સ્કૂલ છે ને યુનિફોર્મ જ તો મેઇન આઇડેન્ટિટી છે. તમારે માસ્કની કિંમતનો પાંચ ગણો ફાઇન ભરવો પડશે. ’’
‘‘નોટ ફાઇન મેડમ, જરા ચેક કરો. હું જ બાબાને સ્કૂલ બસ સુધી મૂકવા આવ્યો હતો એટલે મને પાકું યાદ છે. અમે માસ્ક પહેરાવ્યો જ હતો. બાબાએ કદાચ બસમાં ખોઇ નાખ્યો હોય તો એની બેગમાં એક એકસ્ટ્રા માસ્ક પણ મૂકી જ રાખ્યો છે અને એને સમજાવ્યું છે કે આ બીજો માસ્ક પણ જરૂર પડે પહેરી લેવો. પ્લીઝ...’’
‘‘વ્હોટ પ્લીઝ...મેં એવું ક્યાં કહ્યું કે એણે માસ્ક નથી પહેર્યો ? મેં કહ્યું કે પ્રોપર માસ્ક નથી. સ્કૂલના યુનિફોર્મ પ્રમાણે પર્પલ કલરના શેડમાં ડાર્ક પિન્ક સ્ટ્રાઇપ્સ હોય અને લેફ્ટ કોર્નર પર યલો સ્ટારનું સાઇન હોય એ જ માસ્ક સ્કૂલ યુનિફોર્મ તરીકે ગણાશે. ’’
‘‘આઇ થિન્ક મેડમ , એ બરાબર જ છે. તમે પ્લીઝ ચેક કરો. સ્કૂલ યુનિફોર્મ પ્રમાણેનો જ માસ્ક છે. પ્લીઝ...’’
‘‘ઓહ શટ અપ ! એમ તમે ગમે તે શોપમાંથી માસ્ક લાવ્યા હો એ ના ચાલે. અમારી તો ટોપ ક્વોલિટીની સ્કૂલ છે એટલે માસ્ક પણ ટોપ ક્વોલિટીની શોપમાંથી લાવવા પડે. હું તમને એડ્રેસ સેન્ડ કરું છું ત્યાંથી જ એક માસ્ક પહેરવાનો અને બે સ્ટેન્ડ બાય એમ કુલ ત્રણ માસ્ક પરચેઝ કરી દો અને બાબા સાથે બિલ મોકલાવજો એ જ વેલિડ રાખશું, કાલે બાબો એ માસ્ક વગર આવશે તો પછી સ્કૂલમાંથી માસ્ક આપી દેશું પણ પછી એની એકસ્ટ્રા પેનલ્ટી લાગશે. ’’
કોરોનાનો ડર ફેલાયા પછી ચીનમાં ને સાઉથ કોરિયામાં લોકોએ માસ્ક ખરીદવા લાઇન લગાવી છે. આપણા દેશમાં તો લોકોને લાઇનો લગાવવાનો એટલો ઉત્સાહ છે કે લાઇન લગાવવા મળે એટલા માટે ખાતર પણ લોકો માસ્ક ખરીદવા દોડે તેમ છે. પછી માસ્ક પહેરે કે ના પહેરે પણ લાઇનમાં રહેવાનો લ્હાવો છોડાય નહીં. આપણા દેશમાં કોઇ લાઇનમાં ઊભા રહ્યાના પુરાવાને નાગરિકતા પ્રમાણપત્ર માની લેવામાં આવે તો સરકારની ઘણી ઝંઝટ દૂર થઇ જાય તેમ છે.
હોર્ડિંગ્ઝ મોંઘા પડતાં રીક્ષાઓ પાછળ જાહેરખબરો લગાવનારાને આ માસ્ક મેનિયા પછી જાહેરખબરનું નવું પ્લેટફોર્મ મળી જશે. પછી તમારા કોઇ ઓળખીતાના માસ્ક પર ‘420 બીડી ’ એવું નિશાન જોઇને તમે ચોંકીને પૂછી બેસશો ,
‘‘ક્યારથી શરૂ કરી ? ’’
ઓળખીતા માસ્કની અંદરથી જ કહેશે, ‘‘ત્રણ દિવસ થયા. રિસ્પોન્સ સારો છે. ’’
‘‘અલ્યા શું રિસ્પોન્સ સારો છે ? ફેફસાં જવાબ દઇ દેશે. તમે કાયમ ફિલ્મ જોવા મોડા જતા લાગો છો એટલે પેલી તમાકુના જોખમવાળી જાહેરખબર તમારા જોવામાં આવી લાગતી નથી. ’’
‘‘બે યાર, તમે બંધ થાવને. ઉપદેશો ના આપો. મેં બીડી નથી પીવા માંડી. આ તો એક બીડીવાળાએ માસ્ક પર જાહેરાતની સ્કિમ ચાલુ કરી તો આપણે ઝંપલાવી દીધું. રોજના દસ રૂપિયા મળવાના છે. આપણે તો ચા નો ખર્ચો નીકળ્યો. ’’
‘‘શરમ નથી આવતી ? બીડીના ગેરફાયદા ખબર નથી ? તમારી પાસેથી આવી અપેક્ષા ન હતી ? ’’
‘‘કેમ ? પેલા મોટા મોટા સ્ટાર્સ ગુટખાની જાહેરાતો ટીવી પર કરે એનો વાંધો નહીં ? અને અમારી બીડી પણ તમને નડી ? ’’
આવો જવાબ સાંભળીને તમે ચુપચાપ ચાલતી પકડો ત્યારે યાદ આવે કે ફિલ્મ સ્ટાર્સ ગુટખાની ને સિગારેટની ને એવી બધી જાહેરાતો કરતાં કરતાં પણ પાછા ક્યારેક કેવી ડાહી ડાહી વાતો કરતા હોય છે, પોતે જીમમાં કસરત કરતા હોય તેવા ફોટા મૂકીને લોકોને હેલ્થી રહેવાની સલાહ આપતી હોય. એવી સલાહ આપતી વખતે તેમનો જે ચહેરો સ્ક્રિન પર દેખાય છે એ ઓરિજનલ હશે કે પછી પ્લાસ્ટિક સર્જરી કરાવેલો માસ્ક હશે ? જો એ માત્ર હાવભાવનો માસ્ક પહેરી લેતા હોય તો એના પરથી શીખવું કે કોરોના ઓર નો કોરોના પણ અમુક ટાઇપના માસ્ક પહેરી જતાં આવડે એમાં ફાયદો જ છે.
પ્લાસ્ટિક સર્જરી પરથી યાદ આવે કે કેટલાકનાં મોઢે પ્લાસ્ટિકિયું સ્માઇલ જોઇને તમે કંટાળી જાઓ છો. જેમને નોકરી કે ધંધાના ભાગરૂપે આવું સ્માઇલ ચિટકાડીને ફરવું પડતું હોય એ બિચારાઓને રાહત આપવા ખાતર સરકારે એમના માટે ખાસ સ્માઇલિંગ ફેસવાળા માસ્ક માન્ય રાખવા જોઇએ.
લોકો સોશિયલ મીડિયા પર જાતભાતનાં સ્માઇલી અને ઇમોજી ઠઠાડે રાખે છે તો પછી માસ્કમાં પણ ઇમોજી કેમ નહીં ? લોકો ચેટિંગમાં રડવાનું, ખડખડાટ હસવાનું, ગુસ્સે થવાનું , ખાવાની ઇચ્છા થવાનું, શરમાવાનું ઇમોજી સટ દઇને લગાડી દેતા હોય તો તેની સાથે સાથે કોઇને રૂબરૂ થતી વખતે પણ આવા પાંચ-સાત ઇમોજી માસ્ક પહેરીને ફરવાના હોય તો કેવું સારું લાગે. કોલેજમાં પ્રિન્સિપાલ ગુસ્સાના ઇમોજીવાળો માસ્ક પહેરીને ફર્યા કરે, ઓફિસમાં બોસ પ્રેમાળ ઇમોજીવાળો માસ્ક પહેરીને ફર્યા કરે, ફિલ્મોનાં પ્રમોશન માટે આવતી હિરોઇનો શરમાવાનાં માસ્ક પહેરીને ફોટા પડાવે, સૌથી વધારે શાંતિ તો નેતાઓને થઇ જાય. તેમના માટે તો ખાસ સ્માઇલ કરતા માસ્કની કેવી કેવી વેરાયટી બહાર આવે. હવે તો નેતાઓના ચહેરાના માસ્ક પહેરીને ફરવાની ફેશન થઇ પડી છે તો સાથે સાથે લોકો ‘પોલિટિકલ સ્માઇલ’ના માસ્ક પહેરીને ફરવા માંડે તો સમગ્ર માહોલ કેવો ‘સ્માઇલી સ્માઇલી ’ થઇ જાય. જોકે, આપણા સામજિક માહોલ પ્રમાણે ખાસ બેસણાંમાં પહેરવાના શોકદર્શક માસ્ક પણ કોઇ બહાર પાડે તો સુપરહિટ થવાના સો ટકા ચાન્સ છે.
બેસણાં પરથી ખ્યાલ આવે કે અત્યારે લગભગ બધા માસ્ક એક જ સરખા બોરિંગ રંગના મળે છે. તેને બદલે મહિલાઓ માટે મેચિંગ માસ્ક પણ શરૂ કરવા જોઇએ. પછી સાડી-ડ્રેસવાળા પણ માસ્ક વહેંચવા માંડશે ને એવી દલીલો પણ સંભળાશે, ‘જુઓ મારે સ્હેજ પણ બાંધછોડ નહીં ચાલે, પરફેક્ટ મેચિંગવાળો માસ્ક અત્યારે અવેલેબલ ના હોય તો મગાવી આપો, નહીં તો પછી કયો શેડ અવેલેબલ છે એ કહો તો હું એ પ્રમાણે સાડી ચેન્જ કરાવું. ’’
સેલ્સમેન સ્માઇલનો માસ્ક પહેરીને કહેશે, ‘‘મારું કહ્યું માનો બેન, આ શેડ જ રાખો, આ ડિઝાઇનર પીસનો શેડ છે, આ શેડના માસ્ક તમને બીજે ક્યાંય પહેરેલા મળે તો અહીં પાછો આપી જજો બસ હું ડબલ પૈસા પાછા આપી દઇશ. ’’
કોરોના જેવા વાયરસ તો આવશે ને જશે પણ માસ્ક પહેરી રાખવાના નવા ને નવા ફાયદા ને અજબગજબના માસ્કની આખી માર્કેટ ઊભી કરતો જશે. પછી માસ્ક એ માત્ર ‘મેડિકલ ડિવાઇસ’ નહીં રહે, એ આખેઆખી ‘લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ’ બની જશે. સાચું કે નહીં ?

No comments:
Post a Comment